અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા થઈ હતી. થોડા જ સમયમાં નયન અંદર ઢળી પડે છે, છતાં શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ તાત્કાલિક મદદ કરવામાં આવી નથી. સિક્યોરિટી ગાર્ડ ફક્ત ઉભો રહીને ઘટના જુએ છે અને ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
વિડિયોમાં સ્પષ્ટ થાય છે કે બપોરે 12:53 કલાકે નયન પીળા રંગના ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં શાળાના ગેટમાંથી અંદર આવે છે. તેની સાથે બીજા ત્રણ-ચાર વિદ્યાર્થીઓ પણ જોવા મળે છે. હુમલાની ઘટના શાળાની બહાર બની હતી, જ્યાં નયન પર આરોપી વિદ્યાર્થી અને તેના મિત્રો દ્વારા બોક્સ કટરથી હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં બાદમાં નયનના પરિજન અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવે છે. એક વિદ્યાર્થી રિક્ષા લાવે છે અને નયનને ઊંચકીને હોસ્પિટલ મોકલવામાં આવે છે. આ દરમિયાન શાળા સ્ટાફની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળતી નથી, જે શાળાની બેદરકારી દર્શાવે છે.
શું હતી ઘટના?
19 ઓગસ્ટે ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી ધક્કામુક્કી બાદ અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળી નયન પર હુમલો કર્યો હતો. હુમલા બાદ નયન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનામાં સંડોવાયેલા કિશોરને ખોખરા પોલીસે અટકાયત કરી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ કર્યો હતો. હાલ કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

Leave a Reply