ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.
વરસાદના આંકડા મુજબ, રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ 222 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
સૌથી વધારે વરસાદ નોંધાયો:
- કચ્છના લખપત (5.12 ઇંચ)
- રાપર (4.72 ઇંચ)
- બનાસકાંઠાના ભાભર (4.29 ઇંચ)
- કચ્છના ભચાઉ (4.13 ઇંચ)
- નખત્રાણા (3.58 ઇંચ)
ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમને હાઇ એલર્ટ, 19ને એલર્ટ અને 14ને વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. હાલ 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 64 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. નર્મદા ડેમની સ્થિતિ 91 ટકા ક્ષમતા સુધી પહોંચી છે.

મોટા પાયે પડેલા આ વરસાદને કારણે રાજ્યમાં 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 8357 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે આપત્તિજનક પરિસ્થિતિમાં 1154 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

Leave a Reply