કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે.
આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા. ગુરુંગે સોશિયલ મીડિયા, ડિસ્કોર્ડ અને VPN મારફત અભિયાનને વેગ આપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને યુવાઓને સંદેશ આપ્યો કે “આપણી લડત આપણી શક્તિથી શરૂ થાય છે, હવે સરકારને ઝુકાવવાનો સમય આવી ગયો છે.”

સુદન ગુરુંગનો પ્રવાસ
એક સમયે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કાર્યરત ગુરુંગનું જીવન 2015ના નેપાળ ભૂકંપ બાદ બદલાઈ ગયું. તે માનવતાવાદી કાર્ય તરફ વળ્યો અને હામી નેપાળ એનજીઓ સ્થાપી. તેના માધ્યમથી તેણે આપત્તિ રાહત, રક્તદાન ઝુંબેશ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટેના અભિયાનો ચલાવ્યા. આંતરરાષ્ટ્રીય ફંડિંગથી ચાલતી આ સંસ્થાએ હવે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને નેતૃત્વ આપ્યું છે.
આંદોલનની પૃષ્ઠભૂમિ
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગતા યુવાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો, પરંતુ ગુરુંગે તેને માત્ર ટેક્નિકલ મુદ્દાથી આગળ ધકેલીને ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતા સામેનું રાષ્ટ્રીય આંદોલન બનાવી દીધું.
8 સપ્ટેમ્બરના વિરોધ દરમિયાન ભીડ સંસદ ભવનમાં ઘૂસી ગઈ, પોલીસ દ્વારા ટિયર ગેસ અને ગોળીબાર કરવામાં આવ્યો. સરકારના આદેશ બાદ 20 યુવાનોનાં મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા. સરકારે પ્રતિબંધ પાછો ખેંચ્યા છતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ઠેરઠેર આગચંપી, મંત્રીઓ અને સાંસદોના નિવાસસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે.
સુદન ગુરુંગ આજે નેપાળના યુવા આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયો છે, જેણે સત્તાના પાયા હચમચાવી દીધા છે.


Leave a Reply