સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા

સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા

નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે.

અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા સંમતિ આપવામાં આવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલાં જ દેશવ્યાપી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર થવાની શક્યતા છે.

હજી સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પંચે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધી તમામ દસ્તાવેજી કાર્યવાહી અને તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી છે, જેથી ઓક્ટોબરથી આ અભિયાન શરૂ કરી શકાય.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દ્વારા મતદારોની યાદી અપડેટ થશે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

બિહારમાં થયેલા વેરિફિકેશન દરમિયાન 65 લાખ જેટલા નામો ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જોકે તેમને પોતાનો જવાબ રજૂ કરવાની તક આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારની પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ચૂંટણી પંચે આધાર કાર્ડને ઓળખ માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે, પરંતુ સાથે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે, નાગરિકતાનો નહીં.

 

Leave a Reply

Your email address will not be published.