કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત

કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત

કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી.

મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા વિના પાયલોટે સંપૂર્ણ કંટ્રોલ સાથે વિમાન મુંબઈ તરફ આગળ ધપાવ્યું અને સાંજે આશરે ચાર વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ, કંડલા ATC ટીમે રનવે પરથી તૂટેલું પૈડું અને મેટલ રિંગ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ રેસ્ક્યુ ટીમો અને ફાયર બ્રિગેડને મુંબઈ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવ્યા હતા. સદનસીબે લેન્ડિંગ દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોને સલામત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, “12મી સપ્ટેમ્બર, 2025ના રોજ કંડલા એરપોર્ટથી મુંબઈ જતી Q400 વિમાનના ટેકઓફ બાદ રનવે પર પૈડું મળ્યું હતું.

ફ્લાઈટને તમામ નિયમોનું પાલન કરતા મુંબઈ તરફ આગળ વધારવામાં આવી અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ DGCA અને ટેકનિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.

આ ઘટનાએ મુસાફરોને થોડા સમય માટે ચિંતા અને ભયમાં મૂકી દીધા હતા, પરંતુ પાયલોટની સતર્કતા અને એરપોર્ટ સત્તાવાળાઓની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઇન્સ ક્ષેત્રે આવી ટેકનિકલ ખામીઓના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીથી સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં કેબિન તાપમાનની સમસ્યા સર્જાતા મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી અને ફ્લાઈટને છ કલાક મોડું કરીને બાદમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.