અમદાવાદમાં હત્યાની એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે એક કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઉભી હતી અને તેમાં હિંમત રૂદાણીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને ભારે ભીડ એકઠી થઈ હતી.

પોલીસે સ્થળને કોર્ડન કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. હાલ પોલીસે હત્યારાને પકડી પાડવા માટે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાલડી વિસ્તારમાં પણ જાહેરમાં યુવક નૈસલ ઠાકોરની હત્યા થઈ હતી. શુક્રવારે વહેલી સવારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નૈસલ ઠાકોરને ટક્કર મારી હતી અને બાદમાં છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
સતત બે હત્યાની ઘટનાઓથી શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો છે. પોલીસ બંને કેસોને ગંભીરતાથી લઈ તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Reply