Asia Cup-2025, India vs Pakistan Final Match, Highest Runs : એશિયા કપ-2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. 28 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે એશિયા કપ-2025માં અભિષેક શર્માનો દબદબો જોવા મળ્યો છે. અભિષેકે એશિયા કપમાં કુલ 6 ઈનિંગમાં ત્રણ અડદી સદી ફટકારીને સૌથી વધુ 314 રન નોંધાવ્યા છે.
સૌથી વધુ રન મામલે અભિષેક શર્મા નંબર-1
એશિયા કપ 2025માં ભારતના યુવા ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)એ બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું સ્થાન મેળવ્યું છે. છ ઇનિંગ્સમાં ત્રણ વિસ્ફોટક અડધી સદી ફટકારીને અભિષેક શર્માએ કુલ 314 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન સાથે તેણે એક જ ટી20 એશિયા કપની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
શ્રીલંકન ખેલાડી બીજા ક્રમે
શ્રીલંકાના ઓપનર પાથુમ નિસાન્કા પણ રનના મામલે બીજા ક્રમે રહ્યા હતા, જેમણે 6 ઇનિંગ્સમાં એક શાનદાર સદી (107 રન) સહિત 261 રન બનાવ્યા હતા. નિસાન્કાએ 160.12ના સારા સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. ટોચના અન્ય બેટ્સમેનોમાં બાંગ્લાદેશના સૈફ હસન (4 મેચમાં 178 રન), પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન (6 મેચમાં 160 રન) અને શ્રીલંકાના કુસલ પરેરા (6 મેચમાં 146 રન)નો સમાવેશ થાય છે. ભારત તરફથી અભિષેક શર્મા ઉપરાંત, તિલક વર્મા (144 રન), શુભમન ગિલ (115 રન), અને સંજુ સેમસન (108 રન)એ પણ ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક સાબિત થયું હતું.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયા ચેમ્પિયન! એશિયા કપની ફાઇનલમાં ભારતને જીતનું ‘તિલક’, પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું
ભારત ચેમ્પિયન, પાકિસ્તાનને રગદોડ્યું
ફાઇનલ મેચમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું, જેમણે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી. તેના આ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ 19.1 ઓવરમાં માત્ર 146 રન બનાવી શકી હતી. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે શરૂઆતમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્મા (અણનમ 69) અને શિવમ દુબે (33) વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીએ ટીમને જીત તરફ દોરી હતી. ભારતે આ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
આ પણ વાંચો : નહીં સુધરે પાકિસ્તાન ! PCBએ અર્શદીપ સિંહ વિરુદ્ધ ICCમાં કરી ફરિયાદ

Leave a Reply