Updated: Jan 22nd, 2026
GS TEAM

| (IMAGE -instagram/akashbiswas2598) |
Bengal Cricketer Akash Biswas: બંગાળનો યુવા ક્રિકેટર આકાશ બિસ્વાસ અત્યારે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કાલીઘાટ સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમનારો આ લેગ સ્પિનર અને બેટર આકાશ બિસ્વાસ ‘ક્રોનિક કિડની ડિસીઝ'(CKD)થી પીડિત છે અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેની બંને કિડની હવે સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ ગઈ છે.
માતા કિડની આપવા તૈયાર, પણ આર્થિક સ્થિતિ બની અવરોધ
આકાશને બચાવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ છે. રાહતની વાત એ છે કે તેની માતાની કિડની મેચ થઈ ગઈ છે, પરંતુ ઓપરેશન અને સારવારનો જંગી ખર્ચ આ ગરીબ પરિવાર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. એક પ્રોફેશનલ ક્લબ ક્રિકેટર માટે લાખોનો ખર્ચ ઉઠાવવો અશક્ય છે.
લક્ષ્મી રતન શુક્લાએ કરી મુખ્યમંત્રીને અપીલ
બંગાળ ટીમના કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા આ યુવા ખેલાડીની વ્હારે આવ્યા છે. શુક્લાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ બાબતમાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવા અને આર્થિક મદદ કરવા વિનંતી કરી છે. ગુરુવારે જ્યારે આકાશ પ્રેક્ટિસ સેશન દરમિયાન શુક્લાને મળ્યો, ત્યારે તેની હાલત જોઈને શુક્લા ભાવુક થઈ ગયા હતા.
શુક્લાએ જણાવ્યું કે, ‘આકાશ એક ફાઈટર ખેલાડી છે. મને વિશ્વાસ છે કે તે આ બીમારીને હરાવીને ફરી મેદાનમાં પરત ફરશે. પરંતુ આ માટે આપણે સૌએ તેની સાથે ઊભા રહેવું પડશે. આ માત્ર એક ખેલાડીની નહીં, પણ એક માનવીની જિંદગીનો સવાલ છે.’
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું..
અગાઉ પણ કરી હતી મદદ
નોંધનીય છે કે લક્ષ્મી રતન શુક્લાએ છ મહિના પહેલા પણ આકાશને સારવાર માટે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. પરંતુ સતત ડાયાલિસિસ અને લાંબી સારવારને કારણે પરિવારની તમામ બચત ખર્ચાઈ ગઈ છે.
સરકાર તરફથી આશાનું કિરણ
મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમને લક્ષ્મી રતન શુક્લાની અરજી મળી છે. મમતા બેનર્જી હંમેશા ખેલાડીઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે, તેથી આશા રાખવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં આકાશની સારવાર માટે મોટી જાહેરાત કરી શકે છે.

Leave a Reply