Updated: Mar 9th, 2026
GS TEAM

Pakistan’s reaction to India’s victory in T20 World Cup-2026 : T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો કે ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે. અખ્તરે ટીમ ઇન્ડિયાની તુલના ગલી ક્રિકેટમાં દાદાગીરી કરતાં કોઈ ‘અમીર બાપના નબીરા’ સાથે કરી હતી.
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો દબદબો
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતના શાનદાર પ્રદર્શને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જ્યાં આખું વિશ્વ ભારતના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ ટીમ ઇન્ડિયા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.
ભારત અમીર બાળક જેવું છેઃ અખ્તરની વિચિત્ર તુલના
પાકિસ્તાની શૉ ‘ગેમ ઓન હૈ’ના એક એપિસોડમાં શોએબ અખ્તરે ક્રિકેટની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે. આ તો પેલા ગલીના અમીર છોકરા જેવું છે, જે આજુબાજુના ગરીબ છોકરાઓને બોલાવે અને કહે કે ‘ચાલો ક્રિકેટ રમીએ.’ ભારત પણ આપણી સાથે એવું જ કરી રહ્યું છે. 8 ટીમમાંથી તેઓ 4 રાખે છે અને એમાંથી પણ પોતાની મરજી મુજબની ટીમોને આગળ વધારીને છેલ્લે કહે છે કે ‘જુઓ, હું જીતી ગયો.’ તેમણે આખું ક્રિકેટ ખતમ કરી નાખ્યું છે.
આ પણ વાંચો : કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડીયા? T20 વર્લ્ડકપ જીત્યા બાદ સાથે કરી ઉજવણી
સોશિયલ મીડિયામાં શોએબ અખ્તર ટ્રોલ
શોએબ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. ક્રિકેટ ચાહકોનું માનવું છે કે, અખ્તર ભારતની જીત પચાવી શક્યો નથી.
રસપ્રદ વાત એ છે કે, આ ફાઇનલ મેચ પહેલા અખ્તરનો સૂર થોડો અલગ હતો. તેણે કહ્યું હતું કે ‘ભારત ફેવરિટ છે, પરંતુ હું ઇચ્છું છું કે ‘ક્રિકેટના હિતમાં’ ન્યૂઝીલૅન્ડની જીત થાય. આ પહેલા પણ તેણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ભારત સામે ન્યૂઝીલૅન્ડ દબાણમાં આવી જશે કારણ કે, ભારત પર પણ 150 કરોડ લોકોનું દબાણ છે. ટીમ ઇન્ડિયા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ચૂકી છે, પરંતુ હું ભારતને વિજેતા તરીકે જોઉં છું.
અખ્તરે ગૌતમ ગંભીરના વખાણ કર્યા
જો કે, આ શૉમાં અખ્તરે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે મુશ્કેલ સમયમાં ખેલાડીઓને સાથ આપવાની ગંભીરની શૈલીએ ભારતની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે.
ભારત ન્યૂઝીલૅન્ડના કારણે જીત્યુંઃ આમિરનો કટાક્ષ
માત્ર અખ્તર જ નહીં, અન્ય પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ આમિરે વિચિત્ર તર્ક આપીને ટીમ ઇન્ડિયાને ઉતરતી ગણાવવાનો પ્રયાસ કર્યો છે. આમિરે જણાવ્યું કે ભારતની જીતનો શ્રેય ન્યૂઝીલૅન્ડના બોલરોને જાય છે! કિવી બોલરો ભારતીય બેટર્સ પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ભારત આસાનીથી મેચ પર પકડ બનાવી શક્યું.
જો કે, નિષ્ણાતોના મતે, ભારતની આ જીત કોઈ નસીબ કે અન્યની ભૂલ નથી, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ બતાવેલા સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ છે.
આ પણ વાંચો : વર્લ્ડકપની ટ્રોફી અને માહિકાનો સાથ, હાર્દિક પંડ્યાએ શેર કરી સફળતાની ‘સિક્રેટ સ્ટોરી’!

Leave a Reply