Nepal New PM Balen Shah History : નેપાળની રાજધાની કાઠમંડુથી એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. અહીં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 35 વર્ષીય ભૂતપૂર્વ રેપર અને કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીતને નેપાળના રાજકારણમાં એક ભૂકંપ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આ પરિણામે દાયકાઓથી સત્તા પર રહેલા પરંપરાગત રાજકીય દિગ્ગજોને કડક શિક્ષા આપી છે અને યુવા પેઢીની તાકાતનો પરચો બતાવ્યો છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ યુવા નેતાના ઉદયથી ભારત-નેપાળ સંબંધો પર શું અસર થશે?
કોણ છે બાલેન્દ્ર શાહ?
‘બાલેન’ તરીકે વધુ જાણીતા બાલેન્દ્ર શાહનો જન્મ 27, એપ્રિલ 1990ના રોજ કાઠમંડુમાં એક મૈથિલી મધેશી પરિવારમાં થયો હતો. તેમના પિતા આયુર્વેદિક ડૉક્ટર હતા. નાનપણથી જ તેમને કવિતા અને સંગીતનો શોખ હતો. તેઓ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને તેમણે ભારતના કર્ણાટકની વિશ્વેશ્વરયા ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (VTU) માંથી અભ્યાસ કર્યો છે.
રેપર તરીકે સફળ થયા
2013માં તેમણે રેપિંગ સ્પર્ધા ‘રો બાર્ઝ’ જીતીને ખ્યાતિ મેળવી. તેમના ગીતોમાં ભ્રષ્ટાચાર, સામાજિક અન્યાય અને સત્તાના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવતો હતો. તેમનું પ્રખ્યાત ગીત ‘બાલિદાન’ (બલિદાન) યુટ્યુબ પર કરોડો વ્યૂઝ સાથે યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયું હતું. તેમણે 2022માં કાઠમંડુના મેયરપદની ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડીને જંગી જીત મેળવી હતી, જેમાં તેમણે નેપાળી કોંગ્રેસ અને CPN-UML જેવા મોટા પક્ષોના ઉમેદવારોને હરાવ્યા હતા. કામ કરવાની આક્રમક શૈલી, પારદર્શિતા અને સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગને કારણે તેઓ ખાસ કરીને જેન ઝી યુવાનોમાં અત્યંત લોકપ્રિય બન્યા. ટાઈમ મેગેઝિને તેમને 2023ની ‘ટાઈમ 100 નેક્સ્ટ’ યાદીમાં સ્થાન આપ્યું હતું, જે ભવિષ્યના ઉભરતા નેતાઓની યાદી છે.
ચૂંટણીમાં જૂના જોગીઓનો સફાયો
માર્ચ, 2026માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાલેન શાહ અને તેમના પક્ષ RSPનો પ્રચંડ વિજય થયો છે. સૌથી મોટી વાત એ રહી કે તેમણે ઝાપા-5 મતવિસ્તારમાં ચાર વખતના વડાપ્રધાન અને CPN-UMLના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને લગભગ 50,000 મતો (68,348 સામે 18,734) ના મોટા તફાવતથી હરાવ્યા હતા. શરૂઆતના પરિણામો અનુસાર, RSP 275 સભ્યોની સંસદમાં સ્પષ્ટ બહુમતી (બે-તૃતીયાંશની નજીક) મેળવવાની દિશામાં છે, જે નેપાળમાં દાયકાઓથી ચાલી આવતી અસ્થિર ગઠબંધન સરકારોના યુગના અંતનો સંકેત આપે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પરિણામ ભ્રષ્ટાચાર, રાજકીય અસ્થિરતા અને યુવાનોમાં બેરોજગારી સામેનો જનઆક્રોશ છે. સપ્ટેમ્બર, 2025માં જેન ઝીના આગેવાની હેઠળ થયેલા વિરોધ પ્રદર્શનોએ ઓલીની સરકારને ઉથલાવી દીધી હતી, અને હવે આ ચૂંટણી પરિણામ તે લાગણીઓનું પ્રતિબિંબ છે.
કાઠમંડુના મેયર તરીકેનો કાર્યકાળ: સફળતાઓ અને વિવાદો
મેયર તરીકે બાલેને કેટલાક સખત નિર્ણય લીધા, જે નીચે મુજબ છે.
1. સ્વચ્છતા અને કચરો વ્યવસ્થાપન: કચરાના નિકાલ માટે તેમણે કેન્દ્ર સરકાર સાથે સીધો ટકરાવ લીધો અને વિરોધ કરવા માટે સંસદ ભવન(સિંહદરબાર)માંથી કચરો એકત્ર ન કરવાનો આદેશ આપ્યો.
2. ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી: શહેરના દુર્ગાપ્રસાદમાં આવેલી મોટી મોટી ગેરકાયદે ઈમારતો, મોલ અને રેસ્ટોરન્ટને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા.
3. પારદર્શિતા: તેમણે નગરનિગમની બેઠકોનું સીધું પ્રસારણ શરૂ કરાવ્યું.
4. શેરી વેપારીઓ સાથે કડક વર્તન: તેમણે શેરી વેપારીઓ સામે મ્યુનિસિપલ પોલીસ દ્વારા અપ્રમાણસર બળપ્રયોગ કરવ્યો હોવાના આરોપ હ્યુમન રાઈટ્સ વોચ સહિતની સંસ્થાઓએ લગાવ્યા.
5. તુકુચા નદી પરની કાર્યવાહી: તેમણે તુકુચા નદીને મુક્ત કરવા માટે તોડફોડ અભિયાન શરૂ કરાવ્યું, પરંતુ કોર્ટે તેના પર અંતરિમ રોક લગાવી દીધી.
6. બજેટનો ઉપયોગ: વિકાસ યોજનાઓ માટે ફાળવેલ બજેટના ઓછા ખર્ચ (capital expenditure) માટે તેમની ટીકા થઈ.
ભારત વિરોધી વલણ
બાલેન શાહ તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા છે, જેના કારણે તેઓ વારંવાર વિવાદોમાં પણ રહ્યા છે.
1. ‘ગ્રેટર નેપાળ’ નકશો: 2023માં ભારતના નવા સંસદ ભવનમાં ‘અખંડ ભારત’નું ભીંતચિત્ર લગાવવામાં આવ્યું હતું, જેમાં ઘણા પાડોશી દેશોના પ્રદેશોને ભારતના ભાગ તરીકે દર્શાવાયા હતા. તેના જવાબમાં બાલેને પોતાની કચેરીમાં ‘ગ્રેટર નેપાળ’નો નકશો લગાવ્યો, જેમાં ભારતના ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો (સુગૌલી સંધિ પહેલાના નેપાળી પ્રદેશો) નેપાળમાં દર્શાવાયા હતા. આનાથી ભારતમાં ભારે વિવાદ થયો હતો.
2. ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ: તે જ વર્ષે તેમણે ‘આદિપુરુષ’ ફિલ્મમાં સીતાને ‘ભારતની પુત્રી’ ગણાવવાનો વિરોધ કરતાં કાઠમંડુમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. જોકે હાઈકોર્ટના આદેશ બાદ તેમણે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો.
3. આક્રમક ફેસબુક પોસ્ટ: નવેમ્બર, 2025માં તેમણે એક ફેસબુક પોસ્ટમાં અમેરિકા, ચીન અને ભારત સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને તેમણે થોડીવારમાં જ ડિલીટ કરી દીધી હતી પરંતુ તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા.
આ પણ વાંચો : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે યુએઈમાં વસતા ભારતીયો માટે દૂતાવાસનું એલર્ટ, જાહેર કરી એડવાઈઝરી
બાલેનની જીત ભારત માટે ફાયદો કે નુકસાન?
બાલેનની આ જીત ભારત માટે એક નવો રાજદ્વારી પડકાર લઈને આવી છે.
1. ‘નેપાળ ફર્સ્ટ’ નીતિ: બાલેનનું વલણ ‘નેપાળ ફર્સ્ટ’ છે. તેઓ નેપાળને ભારત અને ચીન વચ્ચેના ‘બફર સ્ટેટ’માંથી ‘વાઇબ્રન્ટ બ્રિજ’માં પરિવર્તિત કરવાની વાત કરે છે. તેનો અર્થ એ કે તેઓ બંને મોટા પાડોશીઓ સાથે સમાન અંતર અને સમાન લાભની નીતિ અપનાવી શકે છે, જેમાં કોઈ એકનું વર્ચસ્વ નહીં ચાલે.
2. કૂટનીતિનો નવો દોર: બાલેન પરંપરાગત કૂટનીતિજ્ઞ નથી. તેઓ સીધી વાત કરે છે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે. ભારતને તેમની સાથે વ્યવહાર કરવા માટે એક નવી રણનીતિ વિકસાવવી પડશે, જે ફક્ત પરંપરાગત રાજકીય સંબંધો પૂરતી મર્યાદિત ન રહે.
3. કોમ્યુનિસ્ટ પાર્ટીઓનો સફાયો: ઓલી (CPN-UML) અને પ્રચંડ (માઓવાદી) જેવા કથિત રૂપે ચીન તરફી વલણ ધરાવતા પક્ષોનો સફાયો થવો એ ભારત માટે રાહતના સમાચાર છે. જોકે, તેમની જગ્યાએ આવેલો બાલેન કોઈ ચોક્કસ પક્ષમાં વહેંચાયેલો નથી, અને તેમના પર કોઈ દબાણ લાવવું મુશ્કેલ છે.
4. જૂના મુદ્દાઓનો નિકાલ: ભારતના દષ્ટિકોણથી જોતાં બાલેન જેવા મજબૂત લોકઆદેશ ધરાવતા નેતા સાથે કાલાપાણી, લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોને ઉકેલવાની તક પણ ઊભી થઈ શકે છે. જો તેઓ ખરેખર નેપાળના હિતમાં કામ કરશે તો તેઓ આ મુદ્દાઓને યોગ્ય ન્યાય આપી શકશે.
5. યુવા આકાંક્ષાઓ સાથે જોડાણ: ભારતે નેપાળની યુવા પેઢીની આકાંક્ષાઓને સમજીને તેમની સાથે જોડાવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2025ના જેન ઝી આંદોલનને ‘નવી સવારના આગમન’ તરીકે બિરદાવ્યું હતું, જે સૂચવે છે કે ભારત આ નવા પરિવર્તનથી વાકેફ છે.
બાલેન શાહનો ઉદય નેપાળના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક છે. તેમના પર ‘ભારતવિરોધી’નું લેબલ લગાવવું સરળ છે, પરંતુ તેઓ તેનાથી વધુ જટિલ અને વ્યવહારુ નેતા સાબિત થઈ શકે એમ છે. ભારતે તેમની ‘નેપાળ ફર્સ્ટ’ વિચારધારાને સ્વીકારીને, આદર સાથે નવા સંબંધો સ્થાપિત કરવાનો માર્ગ શોધવો પડશે. ભારત-નેપાળ સંબંધોનું ભવિષ્ય હવે આ યુવા નેતા સાથે કેટલો સંવાદ અને સમજૂતી થાય છે તેના પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો : ઈઝરાયલ ક્યારેય ભૂલતું નથી! યુદ્ધ વચ્ચે ખોદી નાંખ્યું કબ્રસ્તાન, 40 વર્ષ પહેલાના પાયલોટની શોધ

Leave a Reply