ભારતની જીત પર અમદાવાદ અને દિલ્હી પોલીસના મજેદાર પોસ્ટ વાઈરલ, યુપી પોલીસ જુગલબંધીમાં કૂદી પડી
Updated: Mar 9th, 2026
GS TEAM

T-20 World Cup 2026: ભારતે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની ટીમને 96 રનથી કારમી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની જીત પર દેશભરના ચાહકો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. આ વચ્ચે એક અનોખો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં ભારતની જીત પર દિલ્હી પોલીસે X પર પોસ્ટ મૂકી છે. ત્યારબાદ અમદાવાદ પોલીસે તેના પર રિપ્લાઈ આપીને મજા લાધી છે. આ બંને પોસ્ટ પર યુપી પોલીસે પણ હવે પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યું છે.
દિલ્હી પોલીસે મૂકી પોસ્ટ
દિલ્હી પોલીસની પોસ્ટ અમદાવાદ પોલીસને મેન્શન કરાઈ છે. જેમાં તેમણે ન્યૂઝીલેન્ડની ટીમ અંગે મજેદાર કટાક્ષ કર્યો છે. દિલ્હી પોલીસે લખ્યું છે કે, ‘પ્રિય અમદાવાદ પોલીસ તમને કિવી ટીમ તરફથી બોલ ગુમ થવાની ફરિયાદ મળી શકે છે. આ અમારો મામલો છે, તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. બેટ્સમેન તેમને સ્ટેન્ડમાં મોકલી રહ્યા છે.’
અમદાવાદ પોલીસે આવી રીતે આપ્યો જવાબ
દિલ્હી પોલીસની પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ. તેના જવાબમાં અમદાવાદ પોલીસે લખ્યું કે, ‘આ અમારા ધ્યાન પર લાવવા બદલ આભાર. આ મામલાની જાણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને કરી દેવામાં આવી છે.’
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ જીત્યો, હવે નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર પ્લેયર? મેચ બાદ આપ્યો જવાબ
યુપી પોલીસ જુગલબંધીમાં કૂદી પડી
આ સ્થિતિમાં યુપી પોલીસ કેવી રીતે પાછળ હટી શકે. યુપી પોલીસનું આ જુગલબંધીમાં કૂદવું સ્વાભાવિક હતું. બંને ટ્વીટનો જવાબ આપતા યુપી પોલીસે સંપૂર્ણ ફરિયાદ લિસ્ટ બનાવીને પોસ્ટ કરી. જેમાં લખ્યું કે, કેસની સ્થિતિ પર અપડેટ. પાછલી ફરિયાદમાં બોલ ગુમ થયો હતો. નવી ફરિયાદમાં આખી બેટિંગ લાઈનઅપ ગુમ થઈ ગઈ હતી. અમારું મૂલ્યાંકન એ છે કે આ કાયદા અને વ્યવસ્થાની સમસ્યા નથી. તે બુમરાહ છે. હાલમાં પોલીસ તરફથી ભારતની આ જીત પર આ મજેદાર જુગલબંધી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

Leave a Reply