જેને ખોટો સિક્કો સમજ્યો એ જ તુરુપનો એક્કો નીકળ્યો, ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો
Updated: Mar 9th, 2026
GS TEAM

Sanju Samson : સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરી હતી. 2024ના વર્લ્ડ કપ પછી ભારત જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યું હતું. તે જોતા દરેક વ્યક્તિ તેમને અગાઉથી જ વિજેતા માની રહી હતી. પરંતુ જ્યારે ભારત ટૂર્નામેન્ટમાં ઉતર્યું, ત્યારે શરૂઆત અપેક્ષા મુજબની રહી નહોતી. તિલક વર્મા ઈજા બાદ વાપસી કરી રહ્યો હતો. સંજુ સેમસન ફોર્મમાં નહોતો અને અભિષેક શર્માની તબિયત લથડી હતી. એવું લાગતું હતું કે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાને કોઈની નજર લાગી ગઈ છે.
ટુકડાઓમાં થઈ રહ્યું હતું પ્રદર્શન
ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાન સામેના ‘મહા મુકાબલા’ સહિત તમામ ચાર મેચ જીતી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન એકજૂથ દેખાતું નહોતું. એવું લાગતું હતું કે, મેચ કોઈ એક ખેલાડીના દમ પર જીતવામાં આવી રહી છે. યુએસએ સામે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ વિનિંગ ઇનિંગ રમી, તો ઈશાન કિશન પાકિસ્તાન સામે ચમક્યો હતો.
ભારત જીતી રહ્યું હતું, પરંતુ ખેલાડીઓનું વ્યક્તિગત પ્રદર્શન સંતોષકારક નહોતું. વિરોધી ટીમોએ નંબર-1 બેટ્સમેન અભિષેક શર્મા સામે ચોક્કસ પ્લાનિંગ કર્યું હતું. ટોપ-3માં ત્રણેય લેફ્ટી બેટ્સમેન હોવાને કારણે ભારત સતત મુશ્કેલીમાં મુકાતું હતું અને જેવી શરૂઆતની જરૂર હતી તેવી મળી રહી નહોતી.
આ પણ વાંચો : યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું
દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાની ઊંઘ ઉડાડી
સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામેના પ્રથમ જ મુકાબલામાં ભારતને ઝટકો લાગ્યો ત્યારે દરેકની ઊંઘ ઉડી ગઈ. 76 રનથી મળેલી આ હાર બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ કે, ભારત હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પૂર્વ ખેલાડીઓ પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. પરંતુ આ જ મેચ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે ટીમ કોમ્બિનેશન બદલ્યું અને સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો નિર્ણય લીધો.
સંજુ સેમસન: જ્યારે ‘ખોટો સિક્કો’ ગણવામાં આવતો હતો
વર્લ્ડ કપ પહેલા સંજુ સેમસનનું ફોર્મ અત્યંત ખરાબ હતું. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં તે સતત 5 મેચમાં ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તેની પાસેથી વિકેટકીપિંગની જવાબદારી પણ છીનવી લેવામાં આવી હતી. એવું નક્કી જેવું જ હતું કે ભારત ઈશાન કિશન સાથે જ વર્લ્ડ કપમાં આગળ વધશે. જોકે, ટીમમાં ડાબોડી બેટ્સમેનોની સંખ્યા વધી જવાથી કોમ્બિનેશન ખોરવાઈ રહ્યું હતું. આખરે, સુપર-8માં હાર બાદ રિન્કુ સિંહના સ્થાને સેમસનને તક આપવામાં આવી.
સંજુ સેમસનનો કહેર
સેમસનને જેવી તક મળી, તેણે તેને બંને હાથે ઝડપી લીધી. ઝિમ્બાબ્વે સામે 24 રન કરીને તેણે સારી શરૂઆત આપી, પરંતુ ત્યારબાદ જે થયું તે ઇતિહાસ બની ગયો હતો. ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’માં 196 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે 89 રન ફટકારી જીત અપાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે ફરી એકવાર 89 રનની મહત્વની ઇનિંગ રમી હતી. 5 મેચમાં 321 રન બનાવીને સેમસન ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો અને તે ટીમ માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થયો. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ ના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

Leave a Reply