Updated: Mar 13th, 2026
GS TEAM

Kavya Maran controversy Abrar Ahmed: ઈંગ્લેન્ડમાં રમાનારી ‘ધ હન્ડ્રેડ’ લીગની હરાજીમાં પાકિસ્તાની લેગ સ્પિનર અબરાર અહમદને સનરાઇઝર્સ લીડ્સે ખરીદતા સોશિયલ મીડિયા પર મોટો વિવાદ પેદા થયો છે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી ઉદ્યોગપતિ કલાનિધિ મારનના ‘સન ગ્રૂપ’ પાસે છે અને તેની CEO તેમની પુત્રી કાવ્યા મારન છે, જે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની પણ કમાન સંભાળે છે. પાકિસ્તાની ખેલાડીની પસંદગી થતા જ સોશિયલ મીડિયા પર કાવ્યા મારન અને સનરાઇઝર્સના બહિષ્કારની માંગ ઉઠી છે.
2.34 કરોડની બોલી
અબરાર અહમદની બેઝ પ્રાઈઝ આશરે 92.5 લાખ રૂપિયા હતી. તેને ખરીદવા માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે ભારે રસાકસી જામી હતી. અંતે સનરાઇઝર્સે 1,90,000 પાઉન્ડ (આશરે 2.34 કરોડ રૂપિયા)ની મોટી કિંમત ચૂકવી તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ અબરાર કોઈ પણ ભારતીય માલિકીની ટીમમાં રમનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.
BCCIએ શું કહ્યું?
વિવાદ વધતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, “આ બાબત અમારા અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. આ એક વિદેશી લીગનો મામલો છે અને તે લીગે જ આ અંગે નિર્ણય લેવાનો હોય છે. આમાં BCCI કંઈ કરી શકે નહીં.”
શું છે સમગ્ર વિવાદ? IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
હેડ કોચ ડેનિયલ વેટોરીનો બચાવ
ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરીએ આ નિર્ણય પાછળનું ટેકનિકલ કારણ આપતા જણાવ્યું કે, તેમની પ્રથમ પસંદગી ઈંગ્લેન્ડનો આદિલ રશીદ હતો, પરંતુ તેને સાઉધર્ન બ્રેવે ખરીદી લીધો. ટીમને એક ક્વોલિટી સ્પિનરની જરૂર હતી, જેના માટે અબરાર અહમદ શ્રેષ્ઠ વિકલ્પ હતો. રડારમાં બાંગ્લાદેશનો રિશાદ હુસૈન અને પાકિસ્તાનનો ઉસ્માન તારિક પણ હતા. વેટોરીએ સ્પષ્ટતા કરી કે, હરાજી પહેલા પાકિસ્તાની ખેલાડીઓને ન લેવા અંગે મેનેજમેન્ટમાં કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ નહોતી.
સનરાઇઝર્સ લીડ્સનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ
આ વિવાદ વચ્ચે સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર X એકાઉન્ટ સસ્પેન્ડ થતા રહસ્ય ઘેરાયું છે. જોકે, આ સસ્પેન્શન પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ભારતમાં થઈ રહેલા વિરોધ સાથે તેને જોડીને જોવામાં આવી રહ્યું છે. વેટોરીના મતે, અબરારની બોલિંગમાં રહેલી વૈવિધ્યતા હેડિંગ્લેના મેદાન પર ટીમ માટે ફાયદાકારક સાબિત થશે.

Leave a Reply