Updated: Mar 13th, 2026
GS TEAM

RCB Fast Bowler Josh Hazlewood Fitness Concern: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે અને ફાઈનલ મેચ 31 મેના રોજ રમાશે. RCB માટે સૌથી ચિંતાનો વિષય તેના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ફિટનેસ છે. રિપોર્ટ્સ અનુસાર, હેઝલવુડ હાલમાં રિહેબમાં છે અને તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. હેઝલવુડે અત્યાર સુધી RCB માટે 27 મેચમાં 45 વિકેટ ઝડપી છે, તેથી જો તે શરૂઆતની મેચો ગુમાવે તો ટીમ માટે આ મોટો ફટકો સાબિત થઈ શકે છે.
ફિટનેસ બની વિલન
ખેલાડીઓની ફિટનેસ સિવાય પણ RCB માટે અન્ય અનેક પડકારો ઊભા થયા છે. ટીમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને હજુ સુધી આખરી મંજૂરી મળી નથી, જેના કારણે જો સમયસર ક્લિયરન્સ નહીં મળે તો ટીમે પોતાની હોમ મેચો અન્ય કોઈ મેદાન પર રમવી પડશે. આ તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન પેટ કમિન્સના રમવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ફિટનેસની સમસ્યાને લીધે તેણે હાલમાં જ રમાયેલ T20 વર્લ્ડ કપ પણ ગુમાવ્યો હતો. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવને લીધે વિમાની સેવાઓ પ્રભાવિત થતા વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સમયસર ટીમ કેમ્પમાં પહોંચી શકશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: દ.આફ્રિકા T20 વર્લ્ડ કપની સૌથી મૂર્ખ ટીમ હતી, ભારત બહાર ફેંકાઈ ગયું હતું : માઈકલ વૉન
IPL 2026: અત્યારે માત્ર પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર
ભારતીય ખેલાડીઓના સંદર્ભમાં રાહતના સમાચાર એ છે કે, ટી20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ તમામ ખેલાડીઓ 16 માર્ચ સુધીમાં પોતાની ફ્રેન્ચાઈઝીના કેમ્પમાં હાજર થઈ જશે. ઉલ્લેખનીય છે કે, IPL 2026 માટે અત્યારે માત્ર પ્રથમ 20 મેચોનું જ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. બાકીની મેચોનું શેડ્યૂલ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ નક્કી કરવામાં આવશે. આ વખતે મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઓઇલના ભાવમાં થયેલા વધારા જેવી વૈશ્વિક સ્થિતિને કારણે ટૂર્નામેન્ટના સફળ આયોજન સામે અનેક મોટા પડકારો ઊભા થયા છે.

Leave a Reply