અફઘાનિસ્તાનમાં કુદરતી આફત ફરીથી હાહાકાર મચાવી રહી છે. આજે (2 સપ્ટેમ્બર) નાંગરહાર પ્રાંત નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકો બે દિવસ પહેલા આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યો છે, જેના કારણે દેશભરમાં વધુ ભય અને દહેશત ફેલાઈ છે.
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપની અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ભારે તબાહી જોવા મળી રહી છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી મૃત્યુઆંક 1411 સુધી પહોંચ્યો છે અને 3124થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને કુનાર પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે, જ્યાં 5000થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાચા મકાનો ધરાશાયી થવાથી હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.
ભૂકંપ બાદ રાહત અને બચાવ કામગીરીમાં અનેક પડકારો ઉભા થયા છે. ભારે વરસાદ, ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે મદદ પહોંચાડવામાં મુશ્કેલીઓ આવી રહી છે. તાલિબાન સત્તાવાળાઓ હેલિકોપ્ટરની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉતારવા મુશ્કેલ બની રહ્યું છે. યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સતત રાહત પહોંચાડવા પ્રયત્નશીલ છે, છતાં સંસાધનોની અછતને કારણે કામગીરી ધીમી રહી છે.
આ મુશ્કેલ સમયમાં ભારતે સહાયનો હાથ લંબાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી અને 1000 ફેમિલી ટેન્ટ તથા 15 ટન ખાદ્ય સામગ્રી મોકલી છે. આગામી દિવસોમાં વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. ઉપરાંત, ઈરાન, ચીન સહિતના અનેક દેશોએ પણ મદદ આપવાની ખાતરી આપી છે.

Leave a Reply