યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા અસ્વીકાર્ય છે અને કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે શક્ય નથી. તેમણે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત સૌના હિતમાં છે અને તેનું એકમાત્ર ઉકેલ સંવાદ તથા વ્યૂહનીતિ દ્વારા જ શક્ય છે.
હરીશે ભારપૂર્વક જણાવ્યું કે, સંવાદનો માર્ગ ભલે કઠિન હોય, પરંતુ તમામ પક્ષોની સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા જ કાયમી શાંતિ સ્થાપિત કરી શકે છે. ભારતે યુદ્ધ સમાપ્ત કરવા માટેનાં તમામ સકારાત્મક પ્રયાસોને આવકાર આપ્યો છે, જેમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે યોજાયેલી શિખર બેઠક તથા ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાતનો સમાવેશ થાય છે.
ભારતે આગળ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રશિયાના પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તથા યુરોપિયન નેતાઓ સાથે સંપર્કમાં છે. ભારતને વિશ્વાસ છે કે આ વ્યૂહાત્મક ચર્ચાઓ યુક્રેન યુદ્ધનો અંત લાવી કાયમી શાંતિ સ્થાપિત કરશે.
ભારતે ચિંતા વ્યક્ત કરી કે આ યુદ્ધના માઠા પરિણામો, ખાસ કરીને ક્રૂડ તેલના ભાવમાં વધારો, સમગ્ર વિશ્વને અને ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશોને ગંભીર રીતે અસર કરી રહ્યા છે. ભારતે આ દેશોની સમસ્યાઓને ગંભીરતાપૂર્વક સાંભળવાની અપીલ કરી છે.
ભારતનો અભિગમ માનવતાપરક રહ્યો છે. યુક્રેનને માનવીય સહાયતા પહોંચાડવામાં આવી છે, સાથે જ ગ્લોબલ સાઉથના મિત્ર દેશોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. ભારતે પુનરાવર્તન કર્યું કે, આ યુદ્ધનો તાત્કાલિક અંત આવવો જ જોઈએ. વડાપ્રધાન મોદીએ અનેકવાર સ્પષ્ટ કર્યું છે કે આ “યુદ્ધનો યુગ નથી.”

Leave a Reply