હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી કુદરતી આફતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો અને તરત જ રૂ. 1500 કરોડની નાણાકીય સહાય પેકેજ જાહેર કર્યું. પીએમએ મૃતકોના પરિવારોને રૂ. 2-2 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી.
સર્વે બાદ વડાપ્રધાને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની પીડા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ દરેક પ્રકારની મદદ કરવાનો આશ્વાસન આપ્યો હતો. તેમણે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્વયંસેવકોની બચાવ કામગીરીની પ્રશંસા પણ કરી. કાંગડાના ગગ્ગલ એરપોર્ટ પર પીએમ મોદીએ 11 માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જેમણે આફતમાં પોતાના માતા-પિતા અને બાને ગુમાવ્યા હતા.

પીએમ મોદીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાન મનને હચમચાવી નાખે છે. સરકાર દરેક પીડિત સુધી સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આફતથી અત્યાર સુધીમાં 366 લોકોના મોત, 41 લોકો ગુમ અને 426 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું હિમાચલ આપત્તિ નિવારણ વિભાગે જાહેર કર્યું છે. ઉપરાંત 6301 મકાનો ધરાશાયી થયા, 1991 પશુધન તથા 26,955 કુકડીઓ તણાઈ ગઈ. અંદાજે રૂ. 4080 કરોડથી વધુનું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે ચોમાસાની સીઝનમાં લગભગ 17 હજાર કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે.

Leave a Reply