અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીના 70 દિવસના સમયગાળામાં 12 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તમામ મોત પાછળ કોઈ કુદરતી આપત્તિ કે અચાનક બનતા દુર્ઘટના નહીં પરંતુ સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી જવાબદાર ગણાઈ રહી છે. “સ્માર્ટ સિટી” તરીકે ઓળખાતા અમદાવાદમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ચોમાસા દરમ્યાન નિર્દોષોના મોત થવા જેવી ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળી નથી.
સૌથી ચિંતાજનક વાત એ છે કે આ મૃત્યુ બાદ પણ સત્તા પક્ષ કે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી અને ન તો કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. દર વર્ષે રૂ. 1000 કરોડથી વધુનો ખર્ચ શહેરના રસ્તાઓના રીસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા પાછળ થાય છે છતાં શહેરના રસ્તાઓની હાલત ગામડાના રસ્તાઓ કરતાં પણ ખરાબ જોવા મળે છે. એક તરફ ઉબડખાબડ રસ્તાઓ વાહનચાલકોને જોખમમાં મૂકે છે, તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહન ચલાવવું દૂષ્કર બની રહ્યું છે.
કોર્પોરેશનના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે અધિકારીઓની બેદરકારીથી આટલા મોટા પાયે મોત થયા હોવા છતાં સત્તા પક્ષ તરફથી કોઈ જાહેર પ્રતિસાદ આવ્યો નથી. વિવિધ બનાવોની તપાસ માટે કોઈ સમિતિ રચાઈ નથી, કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના લગભગ 70 લાખ નાગરિકો માટે પરિસ્થિતિ એવી બની છે કે લોકો રોજિંદી મુસાફરી દરમિયાન પોતાનો જીવ ભગવાન ભરોસે રાખીને રસ્તાઓ પર ઉતરે છે.

મોતનાં મુખ્ય બનાવો
- 16 જૂન 2025 – ઘી-કાંટા વિસ્તારમાં વરસાદ દરમિયાન દુધવાળી પોળ પાસે જશરાજ જગદીશ ગોહીલને ખુલ્લા વાયરથી કરંટ લાગતા મોત.
- 19 જૂન 2025 – નિકોલની મધુમાલતી યોજના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી ન શકતાં જીતુભાઈને સાયકલ રેંડીની મદદથી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન મોત.
- 30 જૂન 2025 – ઓઢવના ખારીકટ કેનાલ નજીક મનુભાઈ પંચાલ વરસાદી પાણીમાં વહેતા જતા મોત.
- 23 જુલાઈ 2025 – ખોખરા સ્મશાનગૃહ પાસે નવીનીકરણ દરમિયાન પાણી ભરેલા ખાડામાં ઉતરતાં દીપક સેવતાનું મોત.
- રાણીપ – બલોલનગર ખાતે સિમેન્ટ રોડ પર બાઈક પરથી પટકાતા એક વ્યકિતનું મોત.
- જમાલપુર – ડોર-ટુ-ડોર કચરાની ગાડીએ એક વ્યકિતને 30 ફૂટ સુધી ઘસડતા મોત.
- જશોદાનગર – ગેરકાયદે બાંધકામના ડિમોલિશન સમયે આત્મવિલોપન કરવાથી મહિલા મોતને ભેટી.
- સરખેજ – શકરી તળાવમાં લીલ કાઢતી બોટ ડૂબતાં ત્રણ કિશોરનાં મોત.
- મટનગલી, નારોલ – વરસાદી પાણીમાં મોપેડ ઉપર પસાર થતા દંપતીને કરંટ લાગતાં મોત.
આ તમામ બનાવો એ દર્શાવે છે કે કોર્પોરેશનની અસમંજસ નીતિઓ, સમયસરની જાળવણીનો અભાવ અને બેદરકારીના કારણે શહેરમાં લોકોના જીવ જોખમાય રહ્યા છે. હવે માત્ર પાંચ મહિના પછી આવનારી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં આ મુદ્દો ચૂંટણી એજન્ડા બની શકે છે.

Leave a Reply