અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે.
હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે.
પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. ઘટના સ્થળે વીજ વાયરો ખુલ્લા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે નિયમિત તપાસ કરવામાં આવી ન હતી. જો સમયસર મરામત અને સલામતીના પગલાં લેવાયા હોત તો નિર્દોષ દંપતીના જીવ બચી શક્યા હોત.
કોર્પોરેશનના કર્મચારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા ત્યાંથી બે વીજ થાંભલા કાઢવામાં આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી દેવાયો હતો, છતાં કરંટ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી.
તેમનું કહેવું છે કે આ જવાબદારી કોન્ટ્રાક્ટર પર આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ બાદ જો મોટા અધિકારીઓની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ફોરેન્સિક સાયન્સ અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે થયેલી ધરપકડોને લઈને ચર્ચા છે કે નાના માણસો સામે તરત પગલાં લઈ મોટા અધિકારીઓને બચાવી લેવાનો પ્રયત્ન થયો છે.
લોકોના સવાલ છે કે રસ્તો બનાવવા માટે ખાડો ભરવામાં આવ્યો કે નહીં, પાણી ભરાવાનું કારણ શું હતું અને વીજપ્રવાહ બંધ હોવા છતાં કરંટ કેવી રીતે આવ્યો. હાલ કેસમાં અનેક સવાલો અનઉકેલાયેલા છે અને શહેરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply