અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી જાનહાની ઘટાડશે.
આ સુરક્ષા કવચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિમાનમાં લગાડાયેલા AI સેન્સર્સ અકસ્માતની શક્યતા થતા જ સક્રિય થઈ જશે અને માત્ર બે સેકન્ડમાં વિમાનની આગળ, વચ્ચે અને પાછળના ભાગને વિશાળ એરબેગથી કવર કરી દેશે.

ક્રેશ લેન્ડિંગ દરમિયાન આ એરબેગ વિમાન અને મુસાફરોને ગંભીર ઇજા થવાથી બચાવશે.
આ પ્રોજેક્ટને “પ્રોજેક્ટ રિબર્થ” નામ આપવામાં આવ્યું છે. ડિઝાઇનર્સના જણાવ્યા મુજબ, આ વિચાર અમદાવાદ વિમાન દુર્ઘટના પછી આવ્યો હતો, કારણ કે તે ઘટનાએ તેમના પરિવારોને હચમચાવી નાખ્યા હતા.
હાલ આ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે અને એન્જિનિયર્સે તેને પ્રતિષ્ઠિત જેમ્સ ડાયસન એવોર્ડ માટે રજુ કર્યો છે. આગામી તબક્કામાં તેઓ પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરવાની તૈયારીમાં છે.

Leave a Reply