કેનેડામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) નામના ખાલિસ્તાની જૂથે વાનકુવર ખાતેના ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે.
SFJએ ભારતીયોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. હાલમાં ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, SFJએ કોન્સ્યુલેટની મુલાકાત માટે આવતા લોકોને બીજી તારીખ પસંદ કરવાની અપીલ કરી છે. ખાલિસ્તાની જૂથે બહાર પાડેલા પોસ્ટરમાં કેનેડાના નવા ભારતીય હાઇ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો છે, જેમાં તેમના ચહેરા પર નિશાન બનાવવા જેવા ચિહ્નો દર્શાવવામાં આવ્યા છે.
જૂથે આરોપ લગાવ્યો છે કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા ખાલિસ્તાન સમર્થકો પર નજર રાખવામાં આવી રહી છે અને જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.

SFJએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “18 સપ્ટેમ્બર, 2023ના રોજ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. હવે બે વર્ષ બાદ પણ કોન્સ્યુલેટ ખાલિસ્તાની જનમતના પ્રચારકોને નિશાન બનાવી રહ્યું છે.”
તાજેતરમાં જ બહાર આવેલા ‘2025 એસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક ઇન કેનેડા’ અહેવાલમાં ખુલાસો થયો છે કે કેનેડાની અંદરથી ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી સંગઠનો – બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન – ને નાણાકીય સહાય મળી રહી છે.
આ તાજેતરની ધમકીએ ફરીથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે અને સુરક્ષા એજન્સીઓને સજાગ કરી છે.

Leave a Reply