જીતી ગયા ભાઈ જીતી ગયા : વર્લ્ડકપ ઘર આંગણે રહ્યો !!!
Updated: Mar 8th, 2026
GS TEAM

– ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચમાં ધાર્યા પરિણામ : 27 કરોડનો જેકપોટ
– ભારતે સતત બીજી વખત અને કુલ ત્રણ ટી-20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ સર્જ્યો : ઘરઆંગણે ટી-20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ
– બુમરાહની 4, અક્ષર પટેલની ત્રણ વિકેટ
– પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ ફાઈનલમાં સંજુ સેમસનના 46 બોલમાં પાંચ ચોગ્ગા 8 છગ્ગા સાથે 89
– ભારતના પાંચ વિકેટે ૨૫૫ સામે કિવી ૧૫૯માં ખખડયું : અભિષેકની 18 બોલમાં ફાસ્ટેસ્ટ ફીફ્ટી
અમદાવાદ: ભારતે ટી-૨૦ વર્લ્ડ કપ સતત બીજી વખત જીતતા ન્યુઝીલેન્ડને સાવ એકતરફી ફાઈનલમાં ૯૬ રનથી પરાજય આપ્યો હતો. ભારતે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનના ૪૬ બોલમાં પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા સાથેના ૮૯ રનની ઇનિંગ અને બુમરાહની ચાર, અક્ષર પટેલની ૩ વિકેટની મદદથી આ વિજય મેળવ્યો હતો. ભારતના ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૨૫૫ રન સામે ન્યુઝીલેન્ડ ૧૯ ઓવરોમાં ૧૫૯ રને ઓલ આઉટ થયું હતું. ભારતને ચેમ્પિયન બનવા બદલ રૂપિયા ૨૭ કરોડનું ઇનામ મળશે.
ભારત આ સાથે સતત બે વખત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની છે. તેવી જ રીતે કુલ ત્રીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર પણ ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની છે. ભારતે ૨૦૦૭, ૨૦૨૪ અને ૨૦૨૬માં આ સાથે ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો છે અને ત્રીજો રેકોર્ડ તે રીતે પણ સર્જાયો કે ઘરઆંગણે ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર પણ ભારત પ્રથમ ટીમ બની છે.ભારત માટે સતત ત્રીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનતા સંજુ સેમસને ૪૬ બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૮૯ રનની આક્રમક ઇનિંગ ૧૯૩.૪૭ના સ્ટ્રાઇક રેટ સાથે રમી હતી. અભિષેક શર્માએ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલના ફાસ્ટેસ્ટ ફીફ્ટી (૧૮ બોલમાં) તેમજ ઇશાન કિશાને ૫૪ રનનું યોગદાન આપ્યું હતું.
ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી અને ન્યુઝીલેન્ડે કલ્પના પણ નહીં કરી હોય તેમ ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રારંભ કર્યો હતો. ૪ ઓવરના અંતે જ ભારતે વીના વિકેટે ૫૧, પાંચ ઓવરના અંતે ૭૨ અને પાવર પ્લેની ૬ ઓવરમાં જ ૯૨ રન ફટકારી જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. ઇનિંગની ૬ઠ્ઠી ઓવરમાં ડફીની ઓવરમાં અભિષેક શર્માએ બે છગ્ગા બે ચોગ્ગા સાથે ૨૦ રન ઝૂડયા હતા. અભિષેક શર્માએ ૨૧ બોલમાં ૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા. તે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી ફાસ્ટેટ ૫૦ રન (૧૮ બોલમાં) ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. ૭.૧ ઓવરમાં ૯૮ રને ભારતે પહેલી વિકેટ અભિષેકની ગુમાવી હતી. જો કે ન્યુઝીલેન્ડને રાહત થવાની જગાએ સેમસન અને ઇશાન કિશને મુસીબત વધારી હતી. બંનેએ બીજી વિકેટની ૧૦૫ રનની ભાગીદારી આઠ ઓવરમાં નોંધાવી હતી. સેમસન ૪૬ બોલમાં ૮૯ રન બનાવી બીજી વિકેટ તરીકે ૧૫.૧ ઓવરમાં ૨૦૩ રનના કુલ સ્કોરે આઉટ થઇ ગયો હતો.
ન્યુઝીલેન્ડે થોડુ કમ બેક ૧૬થી ૧૯ ઓવરમાં જ કર્યું તેમ કહી શકાય. મીડિયમ ફાસ્ટ બોલ નિશમે નાંખેલી ઇનિંગની ૧૬મી ઓવરમાં ભારતે ઇશાન કિશન (૨૫ બોલમાં ૪ ચોગ્ગા ૪ છગ્ગા સાથે ૫૧) સુર્યકુમાર યાદવ તેના પ્રથમ બોલે જ ૦ અને હાર્દિક પંડયા (૧૩ બોલ ૧૮) એમ ત્રણ વિકેટ ગુમાવી હતી. ૧૯મી ઓવરના અંતે પાંચ વિકેટે ૨૩૧ રનનો સ્કોર હતો પણ નિશમની ઇનિંગની આખરી ઓવરમાં શિવમ દૂબેએ ૪, ૬, ૬, ૪, ૪ એમ ૨૪ રન ઝૂડીને ન્યુઝીલેન્ડ પર મહાકાય પર્વત જેવું દબાણ સર્જતા ૨૫૫ રનનો સ્કોર ૨૦ ઓવરના અંતે પાંચ વિકેેેટે ખડક્યો હતો.
ભારતના ચાહકોને થોડો ભય જરૂર હતો કે સેમી ફાઈનલમાં ૨૫૪નો પડકાર ઝીલતા ઇંગ્લેન્ડ ૨૪૬ રન સુધી પહોંચી માત્ર સાત રને હાર્યું હતું તેના કરતા સારૂ રમીને ન્યુઝીલેન્ડ અપસેટ તો નહીં સર્જે ને.
વિશેષ કરીને સાઉથ આફ્રિકાને સેમી ફાઈનલમાં બહાર કરનાર ઓપનર એલન સહિતના સેઇફર્ટ, ફીલીપ્સ, રવીન્દ્ર વગેરેનો ઇનિંગ શરૂ ન થાય ત્યાં સુધી ડર હતો.
કેપ્ટન સુર્યકુમારે માસ્ટર સ્ટ્રોક અપનાવતા ઇનિંગની ત્રીજી ઓવર અક્ષર પટેલને આપી અને ચોથા બોલે એલન બાઉન્ડ્રી પર તિલક વર્માના હાથમાં ઝીલાયો તે પછીની બુમરાહની પ્રથમ ઓવરના પહેલા જ બોલે રચિન રવીન્દ્ર એક રને આઉટ થયો.
અક્ષર પટેલે તેની બીજી અને ઇનિંગની પાંચમી ઓવરમાં ભયજનક બની શકે તેવા ફિલિપ્સને બોલ્ડ કર્યો. ચેપમેનને હાર્દિક પંડયાએ અને એકલે હાથે લડત આપનાર સેઇફર્ટ (૨૬ બોલમાં ૫૨)ને વરૂણ ચક્રવર્તીએ પેવેલિયન ભેગો કરતા ૮.૧ ઓવરમાં ૭૨ રનમાં ન્યુઝીલેન્ડની પાંચ ટોચની વિકેટ પડી જતા મેચ એકતરફી ચાલીસેક મીનીટની ન્યુઝીલેન્ડની ઇનિંગમાં બની ગઈ હતી કેમ કે ૧૧.૫ ઓવરોમાં ૧૮૩ રન કરવાના હતા.
મિચેલ (૧૭) અને કેપ્ટન સેન્ટનરે છઠ્ઠી વિકેટની ૫૨ રનની ભાગીદારી ૪.૪ ઓવરમાં નોંધાવી પણ હવે ન્યુઝીલેન્ડ ચમત્કાર સર્જી શકે તેમ નહોતું. ૧૨.૫ ઓવરના અંતે ૬ વિકેટે ૧૨૪ રનનો સ્કોર હતો અને પ્રતિ ઓવર ૧૯ રન બનાવવાના હતા. તે પછીની રમત વધુ ઔપચારિક બની હતી. બુમરાહે તેની બીજી અને ઇનિંગની ૧૬મી ઓવરમાં ત્રીજા બોલે નિશમ અને ચોથા બોલે હેનરીને બોલ્ડ કરતા પ્રેક્ષકો ઝૂમી ઉઠયા હતા. ભારતના વિજય બાદ દેશભરમાં અને અમદાવાદમાં મોડી રાત્રિ સુધી ઉજવણી થઇ હતી.
અમદાવાદમાં ૨૦૨૩ના વન ડેના વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું પણ આ સાથે ભારત ટી-૨૦ વર્લ્ડ કપ જીતતા કમનસીબ ગ્રાઉન્ડનું મ્હેણું પણ ભાંગ્યું હતું.
|
ભારતના છ વર્લ્ડ કપ ટાઈટલ |
|||||
|
વર્લ્ડ કપ |
કેપ્ટન |
હરિફ |
માર્જિન |
સ્થળ |
તારીખ |
|
વન ડે વર્લ્ડકપ |
કપિલ દેવ |
વિન્ડિઝ |
૪૩ રન |
લોર્ડ્ઝ |
૨૫.૬.૮૩ |
|
ટી-૨૦ વર્લ્ડકપ |
મહેન્દ્રસિંહ ધોની |
પાકિસ્તાન |
પાંચ રન |
જોહાનીસબર્ગ |
૨૪.૯.૦૭ |
|
વન ડે વર્લ્ડકપ |
મહેન્દ્રસિંહ ધોની |
શ્રીલંકા |
છ વિકેટ |
વાનખેડે |
૦૨.૪.૧૧ |
|
ટી-૨૦ વર્લ્ડકપ |
રોહિત શર્મા |
સા.આ. |
૭ રન |
બ્રિજટાઉન |
૨૯.૬.૨૪ |
|
વન ડે મહિલા |
હરમનપ્રીત કૌર |
સા.આ. |
બાવન રન |
નવી મુંબઈ |
૨.૧૧.૨૫ |
|
વર્લ્ડકપ |
|||||
|
ટી-૨૦ વર્લ્ડકપ |
સૂર્યકુમાર યાદવ |
ન્યુઝીલેન્ડ |
૯૬ રન |
અમદાવાદ |
૦૮.૩.૨૬ |

Leave a Reply