ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં

ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં

દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી ઘટવાના ગંભીર પડકારનો સામનો કરવા માટે નવો પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે રવિવારે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે, “આ રાહત પેકેજ મુખ્યત્વે ઘટતી વસ્તીને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વધુ બાળકો પેદા કરવા માટે કરમાં છૂટ તેમજ અન્ય પ્રોત્સાહક પગલાંનો સમાવેશ છે.”

નવી નીતિ અનુસાર, 2026થી લાગુ થનાર નિયમો હેઠળ ચાર બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. ઉપરાંત, 1,500 કરતા ઓછી વસ્તી ધરાવતા ગામો અને વસાહતોના લોકો પણ વિવિધ ટેક્સમાંથી છૂટ મેળવશે, જેનો ખર્ચ સરકાર પોતાના બજેટમાંથી ભોગવશે. વડાપ્રધાન મિત્સોતાકિસે જણાવ્યું કે વધુ બાળકો ધરાવતા પરિવારોને પુરસ્કૃત કરવાનો આ પ્રયાસ જીવન ખર્ચ વધારાના પરિપ્રેક્ષ્યમાં જરૂરી છે.

આ પગલાં હેઠળ દરેક વર્ગને 2% ટેક્સ કટનો લાભ મળશે, જ્યારે ઓછી આવક ધરાવતા ચાર બાળકોવાળા પરિવારોને ‘ઝીરો ટેક્સ’ નીતિનો ફાયદો મળશે. મિત્સોતાકિસે આ નીતિને છેલ્લા 50 વર્ષમાં ગ્રીસમાં લાગુ થયેલો સૌથી સાહસિક કર સુધારણાનો કાર્યક્રમ ગણાવ્યો છે.

ગ્રીસમાં પ્રજનન દર યુરોપમાં સૌથી ઓછો છે, દર મહિલા પર સરેરાશ 1.4 બાળકો થાય છે, જ્યારે જરૂરી સરેરાશ દર 2.1 છે. યુરોસ્ટેટના આંકડા મુજબ, દેશની વર્તમાન વસ્તી 1.02 કરોડ છે અને 2050 સુધીમાં આ સંખ્યા 80 લાખથી ઓછી થઈ શકે છે, જેમાંથી 36% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની હશે.

આ ગંભીર પરિસ્થિતિને પગલે નાણામંત્રીએ જણાવ્યું કે, વસ્તી ઘટાડો દેશના ભવિષ્ય માટે મોટો ખતરો છે અને નવી કર નીતિ તથા અન્ય સુધારાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા મદદરૂપ થશે.

 

Leave a Reply

Your email address will not be published.