Updated: Feb 6th, 2026
GS TEAM

T20 World Cup Controversy: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની હઠને કારણે વિવાદ સર્જાયો છે. આઈસીસી દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવવામાં આવતા પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો છે અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં રમવાનો ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાનના આ અણધાર્યા નિર્ણયથી સહ-યજમાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાએ પીસીબીને એક સત્તાવાર પત્ર લખીને આ નિર્ણય પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે અને સાથે જ પાકિસ્તાનને તેના મુશ્કેલ સમયમાં શ્રીલંકાએ આપેલા સાથની યાદ અપાવી છે.
શ્રીલંકાની ચેતવણી: બહિષ્કારના નિર્ણયથી પ્રતિષ્ઠાને થશે મોટું નુકસાન
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, જો પાકિસ્તાન ભારત સામેની આ મેચનો બહિષ્કાર કરશે, તો તેનાથી આયોજકોને આર્થિક, લોજિસ્ટિકલ અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ મોટું નુકસાન થશે. બોર્ડે જણાવ્યું કે ભારત-પાકિસ્તાન મેચ માટેની ટિકિટો લગભગ વેચાઈ ગઈ છે અને હોસ્પિટાલિટીથી લઈને સુરક્ષા સુધીના તમામ આયોજનો પૂરા થઈ ગયા છે. આ મેચ રદ થવાથી શ્રીલંકાના પર્યટન અને અર્થતંત્રને પણ ફટકો પડી શકે છે. શ્રીલંકા સરકારે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ મેચો પરથી દેશને મોટી આવકની અપેક્ષા છે.
2009ના હુમલાની યાદ: લાહોરની તે ભયાનક આતંકી ઘટનાનો ઉલ્લેખ
ખાસ કરીને, શ્રીલંકાએ પાકિસ્તાનને વર્ષ 2009ની તે દુઃખદ ઘટનાની યાદ અપાવી હતી જ્યારે લાહોરમાં શ્રીલંકાની ટીમ બસ પર આતંકવાદી હુમલો થયો હતો. બોર્ડે કહ્યું કે તે ભયાનક હુમલા અને ઈજાઓ બાદ પણ જ્યારે વિશ્વના અન્ય દેશો પાકિસ્તાન જવામાં અચકાતા હતા, ત્યારે શ્રીલંકાએ પાકિસ્તાન સાથેના સંબંધો સાચવવા માટે ત્યાં જઈને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
શ્રીલંકાને પાકિસ્તાન પાસેથી હકારાત્મક વલણની આશા
શ્રીલંકાએ આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન પણ એ જ ખેલદિલી અને પરસ્પર સન્માનની ભાવના બતાવે અને કરોડો ચાહકોના હિતમાં ટુર્નામેન્ટની તમામ મેચોમાં સહભાગી થાય. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સરકાર અને પીસીબી શ્રીલંકાની આ ભાવનાત્મક અને વ્યવહારુ અપીલ પર શું પ્રતિક્રિયા આપે છે.

Leave a Reply