Updated: Feb 8th, 2026
GS TEAM

T20 World Cup, NZ vs AFG: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થયાને બે દિવસ જ થયા છે, દરેક ટીમોનો જોશ હાઈ છે ત્યારે ટુર્નામેન્ટના પહેલા જ દિવસે બે મોટા ઉલટફેર થતાં થતાં રહી ગયા. જ્યારે બીજા દિવસે એક ખતરનાક દુર્ઘટના ટળી ગઈ, ટી20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામ સામે હતા. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બોલિંગ કરી રહી હતી, ઈનિંગની ત્રીજી ઓવરમાં જ બે ખેલાડી સામ સામે ટકરાઇ ગયા, ટક્કર એટલી જોરદાર હતી કે થોડી ક્ષણ માટે ચાહકોમાં સન્નાટો વ્યાપી ગયો.
રવિવારે 8 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના એએમ ચિદંબરમ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની ચોથી મેચ રમાઈ રહી હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી.રહમાનુંલ્લાહ ગુરબાઝ અને સદિલકુલ્લાહ અટલ ઓપનિંગ કરી રહ્યા હતા. બંને મોટા શૉટ મારવાની ફિરાકમાં પણ કનેક્શન બની રહ્યું ન હતું. તેવામાં ત્રીજી ઓવર આવી, ફાસ્ટ બોલર મેટ હેનરી બોલિંગ કરી રહ્યો હતો. ગુરબાઝ સ્ટ્રાઈક પર હતો
સાઈફર્ટ અને ફીન એલન વચ્ચે જોરદાર ટક્કર
આ જ ઓવરની પાંચમી બોલ, જેના પર હેનરીએ બાઉન્સર નાખવાની કોશિશ કરી, ગુરબાઝે પુલ શૉટ લગાવ્યો પણ સફળ ન થયો, બેટના કિનારે અડકીને બોલ વિકેટની પાછળ હવામાં ઉછળ્યો, જેને પકડવા માટે ન્યૂઝીલેન્ડ ટીમના ત્રણ ખેલાડીઓ દોડ્યા, જેમાં વિકેટ કીપર સાઈફર્ટ પણ સામેલ હતો. જેવા કેચ લપકવાનો પ્રયાસ કર્યો ત્યારે સાઈફર્ટ અને ફીન એલન વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ, બંને મેદાન પર ઢળી પડ્યા. આગળની કેટલી સેકન્ડ બંને એકબીજાને જોઈ રહ્યા.
આ પણ વાંચો: મેચ બહિષ્કારના વિવાદ વચ્ચે BCB અધ્યક્ષ પાકિસ્તાન દોડ્યા, ICC સાથે સિક્રેટ મીટિંગના અહેવાલ
કોઈ ઈજા નહીં
જો કે, રાહતની વાત એ છે કે ટક્કર ભયંકર હોવા છતાં બંને ખેલાડીઓમાંથી કોઈને પણ નુકસાન પહોંચ્યું નથી. થોડી ઘડી માટે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો પણ ટેન્શનમાં આવી ગયા હતા. પરંતુ બંને ખેલાડીઓ ઉભા થઈ ફિલ્ડિંગ માટે પરત આવી જતાં લોકો અને ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. ઈજા તો ન થઈ પણ કેચ છૂટી જતાં ન્યૂઝીલેન્ડની ટીમને નુકસાન જરૂર થઈ ગયું. ગુરબાઝને જીવતદાન મળી ગયું. તે વખતે તેના માત્ર 7 રન જ હતા. જેનો ફાયદો ગુરબાઝે ભરપૂર ઉઠાવ્યો. અને બીજા 20 રન જોડી 27 રન પર આઉટ થયો.

Leave a Reply