Updated: Feb 11th, 2026
GS TEAM

BCCI Rejects Players Demand: ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026ની શરુઆત શાનદાર જીત સાથે કરી છે. જોકે, આ વર્લ્ડ કપ વચ્ચે BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, ખેલાડીઓને ટુર્નામેન્ટ દરમિયાન પોતાના પરિવારને સાથે લઈ જવાની મંજૂરી નહીં મળશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ખેલાડીઓ લાંબા અને દબાણ વાળી ટુર્નામેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે.
ખેલાડીઓએ કેમ કરી હતી આ માગણી
એક અહેવાલ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનવું હતું કે, વર્લ્ડ કપ જેવી લાંબી અને દબાણ વાળી ટુર્નામેન્ટમાં પરિવારની હાજરી ખેલાડીઓને માનસિક મજબૂતી આપે છે. આ જ વિચારને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે BCCIને ખેલાડીઓને પોતાની પત્ની અથવા પાર્ટનરને સાથે ટ્રાવેલ કરવાની મંજૂરી આપવા અપીલ કરી હતી, પરંતુ બોર્ડે આ સૂચન સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો અને તેમની માગણી ફગાવી દીધી.
BCCIએ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
BCCIએ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું કે, ‘વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર જ હોવું જોઈએ.’ બોર્ડનું માનવું છે કે, પરિવારના સાથે હોવાથી ખેલાડીઓનું ધ્યાન બે બાજુ વહેંચાઈ શકે છે. તેથી બોર્ડે જૂના નિયમોને જ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે.
જોકે, BCCIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ખેલાડી ઇચ્છે તો તે પોતાની ફેમિલી માટે અલગ હોટલમાં ખાનગી વ્યવસ્થા કરી શકે છે, પરંતુ આ સંપૂર્ણપણે ખેલાડીની જવાબદારી રહેશે અને તેનો સંપૂર્ણ ખર્ચ ખેલાડી પોતે જ ઉઠાવશે. BCCI આ સંદર્ભમાં કોઈ વ્યવસ્થા કરશે નહીં. ટીમની ઓફિશિયલ પ્રવાસ યોજનામાં તેમના પરિવારને સામેલ કરવામાં નહીં આવશે.
શું છે વર્તમાન નિયમો
BCCIની ગાઇડલાઇન પ્રમાણે જો કોઈ વિદેશી પ્રવાસ 45 દિવસથી વધુનો હોય તો ખેલાડીઓને મર્યાદિત સમય માટે પરિવારને સાથે રાખવાની છૂટ મળી શકે છે. બીજી તરફ 45 દિવસથી ઓછા સમયના પ્રવાસો માટે આ મંજૂરી તેનાથી પણ ઓછા સમય માટે હોય છે. T20 વર્લ્ડ કપનો શેડ્યુલ આ શરતો પર ખરો નથી ઉતરતો, તેથી બોર્ડે નિયમ બદલવાનો ઇન્કાર કરી દીધો છે.
આ પણ વાંચો: ટ્રેડ ડીલમાં છાનામાના અમેરિકાએ કર્યો મહત્ત્વપૂર્ણ સુધારો, ભારત માટે આવ્યા ‘બિગ ગુડ ન્યૂઝ’
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મળેલી કારમી હાર બાદ બદલ્યા હતા નિયમો
આ કડક નિયમોના મૂળ ભારતના તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે જોડાયેલા છે, જ્યાં ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ BCCIએ ખેલાડીઓના શિસ્ત અને ફોકસને લઈને ગાઇડલાઇન તૈયાર કરી હતી, જે ખેલાડીઓની સાથે-સાથે કોચ અને સપોર્ટ સ્ટાફ માટે પણ સમાન છે.

Leave a Reply