અભિષેક શર્મા કાલે નામીબિયા સામે રમશે કે નહીં ? તિલક વર્માએ હેલ્થ અંગે આપી મહત્ત્વની માહિતી
Updated: Feb 11th, 2026
GS TEAM

Abhishek Sharma Discharged From Hospital : ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પેટમાં ઈન્ફેક્શનના કારણે તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આવતીકાલે (12 ફેબ્રુઆરી) ભારત અને નામિબિયા વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે અભિષેક આ મેચમાં રમશે કે નહીં, તે સસ્પેન્સ હજુ યથાવત્ છે.
તિલક વર્માએ આપ્યું હેલ્થ અપડેટ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ અભિષેક શર્માના હેલ્થ અંગે માહિતી આપી હતી. તિલકે કહ્યું કે, ‘અભિષેક આવતીકાલની મેચમાં રમશે કે નહીં તેનો અંતિમ નિર્ણય મેચના દિવસે જ લેવામાં આવશે. મેચમાં સામેલ કરતા પહેલા અભિષેકની ફિટનેસ તપાસવામાં આવશે, ત્યારબાદ મેનેજમેન્ટ નિર્ણય લેશે.’
— Star Sports (@StarSportsIndia) February 11, 2026
આ પણ વાંચો : દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી
યુએસએ સામેની મેચથી જ તબિયત લથડી હતી
અભિષેક શર્મા યુએસએ સામેની છેલ્લી મેચ દરમિયાન પેટની સમસ્યાથી પીડાતો હતો. આ જ કારણે તે મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો નહતો. દિલ્હી આવ્યા બાદ તેની તબિયત વધુ બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. મેચ બાદ ગત રવિવારે અભિષેક શર્માએ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના ઘરે ડિનર લીધું હતું.
સંજુ સેમસનને મળી શકે છે તક
જો અભિષેક શર્મા સંપૂર્ણ ફિટ નહીં હોય તો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને તક મળી શકે છે. મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસને પ્રેક્ટીસ કરી હતી, જે જોતા સંભાવના છે કે, ટીમ મેનેજમેન્ટ તમામ વિકલ્પો તૈયાર રાખી રહ્યું છે. આવતીકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને નામિબિયા વચ્ચે મુકાબલો થનાર છે. જો અભિષેક નહીં રમે તો ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : SA vs AFG: અમદાવાદમાં રોમાંચક મુકાબલો: બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાર્યું, દ.આફ્રિકાનો વિજય

Leave a Reply