ટીમ ઈન્ડિયાની ચિંતા વધી! વર્લ્ડ કપની મેચ પહેલા ઈશાન કિશન પણ ઈજાગ્રસ્ત, પગના અંગૂઠામાં વાગી બોલ
Updated: Feb 11th, 2026
GS TEAM

T20 World Cup : T20 વર્લ્ડ કપમાં ગુરુવારે નવી દિલ્હી ખાતે ભારત અને નામિબિયા વચ્ચે મુકાબલો રમાવાનો છે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. કેટલાક ખેલાડીઓની ફિટનેસ અંગે પહેલેથી જ ચિંતાઓ હતી અને હવે એક નવી ઈજાએ ટીમ મેનેજમેન્ટનું ટેન્શન વધારી દીધું છે. અહેવાલો અનુસાર, મેચના એક દિવસ પહેલા દિલ્હીમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈશાન કિશનના ડાબા પગના અંગૂઠામાં ઈજા થઈ છે.
જસપ્રીત બુમરાહના યોર્કરે કર્યો ઘાયલ
રિપોર્ટ મુજબ, નેટ્સમાં જસપ્રીત બુમરાહનો એક અત્યંત ઝડપી યોર્કર ઈશાન કિશનના પગના અંગૂઠા પર વાગ્યો હતો. જેના પછી તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. આ ડાબોડી બેટ્સમેન ખૂબ જ પીડામાં જણાતો હતો અને તેણે થોડીવાર માટે પ્રેક્ટિસ પણ અટકાવવી પડી હતી. હાલમાં એ સ્પષ્ટ નથી કે, કિશન નામિબિયા સામેની મેચમાં રમી શકશે કે નહીં, પરંતુ આ ચોક્કસપણે ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ટીમ પર પહેલેથી જ ફિટનેસનું સંકટ
ટીમ ઈન્ડિયા ઓપનર અભિષેક શર્માની તબિયતને લઈને પણ અવઢવ છે. અભિષેકને હાલમાં પેટ સંબંધિત બીમારીને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી હવે તેને રજા મળી ગઈ છે. જોકે, તેની મેચ ફિટનેસ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે, તેની ઉપલબ્ધતાનો આધાર તે મેચ પહેલા કેવું અનુભવે છે તેના પર રહેશે.
આ પણ વાંચો : દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી
અસ્વસ્થ હોવા છતા રમ્યો મેચ
અભિષેક અમેરિકા સામેની પ્રથમ મેચ અસ્વસ્થ હોવા છતાં રમ્યો હતો, પરંતુ બીજા જ બોલે આઉટ થઈ ગયો હતો અને ફિલ્ડિંગ દરમિયાન પણ મેદાનમાં ઉતરી શક્યો નહોતો. ત્યારબાદ તેણે ટ્રેનિંગ સેશન પણ મિસ કર્યું હતું. આવી સ્થિતિમાં જો તે સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય, તો ટીમ કોમ્બિનેશન પર અસર પડી શકે છે.
ઓપનિંગ અને મિડલ ઓર્ડર પર શું અસર પડશે?
જો ઈશાન કિશન અને અભિષેક શર્મા બંને સંપૂર્ણ ફિટ નહીં હોય, તો ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો કરવા પડશે. સંજુ સેમસન એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે, જ્યારે વોશિંગ્ટન સુંદર ઓપનિંગ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચને જોતા ટીમ કોઈ પણ ખેલાડીની બાબતમાં જોખમ લેવાનું ટાળશે. ઈશાન કિશનની ઈજા એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે વિકેટકીપિંગની સાથે આક્રમક બેટિંગનો વિકલ્પ આપે છે. જો તેના અંગૂઠામાં ગંભીર ઈજા હશે, તો વિકેટકીપિંગ અને બેટિંગ બંને ઓર્ડરમાં ફેરફાર કરવો પડી શકે છે.
અમેરિકા સામે મેચ જીત્યું હતું ભારત
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત અમેરિકા સામેની મેચથી કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો, પરંતુ સૂર્યા (સૂર્યકુમાર યાદવ) સિવાય અન્ય કોઈ બેટ્સમેન પ્રભાવશાળી બેટિંગ કરી શક્યા નહોતા. તેવામાં પાકિસ્તાન સામેની મેચ પહેલા નામિબિયા સામેની મેચ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

Leave a Reply