Updated: Feb 12th, 2026
GS TEAM

MS Dhoni Defamation Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપતા રૂપિયા 10 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ આદેશ ધોની દ્વારા દાખલ કરવામાં આવેલા 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં આપવામાં આવ્યો છે, જેમાં કેસ સાથે જોડાયેલી સીડીના કન્ટેન્ટનું ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદ કરવા માટે જે ખર્ચ થશે તે ધોનીએ જ ભોગવવો પડશે.
IPL સટ્ટાબાજી કૌભાંડ સાથે જોડાયેલો વિવાદ
આ સમગ્ર વિવાદ વર્ષ 2013ના IPL સટ્ટાબાજી કૌભાંડ સાથે જોડાયેલો છે. ધોનીએ નિવૃત્ત IPS અધિકારી જી. સંપતકુમાર વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો, કારણ કે સંપતકુમારે ધોની પર આ કૌભાંડમાં સામેલ હોવાના આરોપો જડ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન જે મીડિયા સામગ્રી પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે, તેની સત્યતા અને વિગતોની સમજણ માટે કોર્ટે તેનું લેખિત સ્વરૂપ અને અનુવાદ જરૂરી હોવાનું જણાવ્યું છે.
કેમ ધોનીએ ભરવા પડશે 10 લાખ રૂપિયા?
કોર્ટના ઇન્ટરપ્રિટર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયા અત્યંત જટિલ અને સમય માંગી લે તેવી હોવાનું કોર્ટે ટાંક્યું છે. ઇન્ટરપ્રિટરના જણાવ્યા પ્રમાણે આ કામ પૂરું કરવા માટે અંદાજે ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે અને તે માટે એક ટાઈપિસ્ટ અને ઇન્ટરપ્રિટરની સતત જરૂર રહેશે. આમાં સત્તાવાર સરકારી દુભાષિયા રોકાયેલા હોવાથી ધોનીને આ ખર્ચની રકમ ચૂકવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રકમ જમા કરાવી કોર્ટને વિગતો આપવી પડશે
અદાલતના આદેશ મુજબ, ધોનીએ 10 લાખ રૂપિયા આગામી 12 માર્ચ સુધીમાં ‘મદ્રાસ હાઈકોર્ટ ચીફ જસ્ટિસ રિલીફ ફંડ’ના ખાતામાં જમા કરાવી દેવા પડશે. કોર્ટે ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદની આ કામગીરી પૂર્ણ કરવા માટે માર્ચ 2026ના ત્રીજા અઠવાડિયા સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. જેની જાણ કોર્ટના ઇન્ટરપ્રિટરને કરી દેવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 12 માર્ચના રોજ થશે, જે દિવસે ધોનીએ 10 લાખના ચૂકવણાની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.
આ પણ વાંચો: T20 World Cup : ભારતની નામિબિયા સામે 93 રનથી જીત, કિશન-હાર્દિક-વરુણનું દમદાર પ્રદર્શન
2014માં દાખલ થયો છે કેસ
ધોનીએ 2014માં આ કેસ દાખલ કર્યો હતો, જેમાં બે મુખ્ય મીડિયા ચેનલો અને નિવૃત IPS અધિકારી જી. સંપતકુમાર પાસેથી માનહાનિનો દાવો કરી 100 કરોડની નુકસાનીની માંગણી કરવામાં આવી હતી. ધોનીના પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2013ના IPL સટ્ટાબાજી કૌભાંડ પર એક ટીવી ચર્ચા દરમિયાન તેની વિરુદ્ધ બદનક્ષીભરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

Leave a Reply