પાકિસ્તાની બોલિંગ લાઈનને વેરવિખેર કરી નાખવાનો ઈશાન કિશને જણાવ્યો ‘ગંભીર’ પ્લાન
Updated: Feb 13th, 2026
GS TEAM

T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ટોચના ક્રમની બેટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ટીમની રણનીતિ પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરવાની છે. ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈશાન કિશને આ વિચારધારાને સાબિત પણ કરી દેખાડી હતી. તેણે માત્ર 24 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી નામિબિયા સામે ભારતની 93 રનની રેકોર્ડબ્રેક જીતનો પાયો નાખ્યો હતો.
પાવરપ્લેમાં રનનો વરસાદ
ઈશાન કિશને પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગના કારણે ભારતે પ્રથમ 6 ઓવરમાં 86 રન બનાવી લીધા હતા. જે આ ટુર્નામેન્ટમાં પાવરપ્લે દરમિયાન ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ખાસ કરીને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ઈશાને સતત ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને 28 રન બનાવ્યા હતા. ભારતે માત્ર 6.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા, જે આ સ્પર્ધામાં સૌથી ઝડપી ટીમ સદીનો નવો રેકોર્ડ છે.
આ પણ વાંચો : અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા
પાકિસ્તાન સામેની મેચ પહેલા ઈશાન કિશનનું નિવેદન
મેચ બાદ ઈશાન કિશને કહ્યું કે, “ટીમનો પ્રયાસ પાવરપ્લેનો મહત્તમ લાભ લેવાનો હોય છે. દરેક મેચમાં પરિસ્થિતિ અલગ હોય છે, તેથી વિકેટ, બોલર અને સંજોગોને વહેલી તકે સમજવા જરૂરી છે.” તેણે વધુમાં ઉમેર્યું કે, જરૂર પડે ત્યારે તે સિંગલ રન લઈને બીજા બેટ્સમેનને સ્ટ્રાઈક આપવામાં પણ ખચકાશે નહીં, કારણ કે ટીમની જરૂરિયાત સૌથી ઉપર છે.
ઈશાનના મતે, ટોચના ત્રણ બેટ્સમેનોમાંથી કોઈ એકે લાંબી ઈનિંગ રમવી જોઈએ. જેથી મોટા સ્કોરનો પાયો મજબૂત રહે. જો કે તેણે સ્વીકાર્યું કે હવે તે પહેલા કરતા વધુ પરિપક્વ થઈ ગયો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ તેણે પોતાની રમતમાં સતત સુધારો કર્યો છે.
ઈશાન કિશનનું શાનદાર કમબેક
વર્ષ 2026 ઈશાન કિશન માટે ખાસ સાબિત થઈ રહ્યું છે. ટીમમાં વાપસી કર્યા પછી 6 ઇનિંગ્સમાં તેણે 296 રન બનાવ્યા છે. તેની એવરેજ 49.33 અને સ્ટ્રાઈક રેટ 222.55 રહ્યો છે, જે તેને હાલમાં ભારતનો સૌથી પ્રભાવશાળી બેટ્સમેન બનાવે છે. નોંધનીય છે કે, 2023ના વનડે વર્લ્ડ કપ પછી તે ટીમની બહાર થઈ ગયો હતો અને તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ થયો હતો. પરંતુ ઘરેલું ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન અને સખત મહેનતના દમ પર તેણે ફરીથી રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Leave a Reply