Updated: Feb 14th, 2026
GS TEAM

Highest Team Total in T20 World Cup USA : અમેરિકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા છે. આ ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં USAનો બીજો સૌથી મોટો સ્કોર છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સાઈતેજા મુક્કામલ્લાએ વિસ્ફોટક અંદાજમાં 79 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શુભમ રંજને પણ શાનદાર બેટિંગ કરતા 48 રન બનાવ્યા હતા.
અમેરિકાએ ભારતમાં રચ્યો ઇતિહાસ
અમેરિકાએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. વર્લ્ડ કપમાં તેમનો સૌથી મોટો સ્કોર 197 રન છે, જે 2024ના વર્લ્ડ કપમાં કેનેડા વિરુદ્ધ બનાવ્યો હતો. કોઈપણ એસોસિયેટ ટીમ દ્વારા ટી20 વર્લ્ડ કપમાં આ બીજો સૌથી મોટો સ્કોર પણ છે. ટી20 વર્લ્ડ કપમાં એસોસિયેટ ટીમ દ્વારા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. જેણે આ જ વર્લ્ડ કપમાં ઇટાલી સામે 207 રન બનાવ્યા હતા.
કેપ્ટન મોનાંકની આક્રામક શરૂઆત
કેપ્ટન મોનાંક પટેલ અને શાયન જહાંગીરે યુએસએને આક્રમક શરૂઆત અપાવી હતી. પટેલ 36 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જહાંગીરે 20 રન બનાવ્યા હતા. સાઈતેજા મુક્કામલ્લા અને શુભમ રંજને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા. સાઈતેજાએ 31 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને સમગ્ર મેચમાં તેણે 51 બોલ રમીને 79 રન બનાવ્યા હતા. બીજી તરફ શુભમ રંજને તેની ઇનિંગના પ્રથમ 12 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા, પરંતુ આગામી 12 બોલમાં તેણે 31 રન ફટકારી દીધા હતા.
આર્યન દત્ત મોંઘો સાબિત થયો
નેધરલેન્ડ્સ તરફથી બાસ ડી લીડેએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મોનાંક પટેલ અને સાઈતેજા મુક્કામલ્લાની વિકેટ તેણે જ લીધી હતી. આ ઉપરાંત લોગન વેન બીક, કાઈલ ક્લેઈન અને ફ્રેડ ક્લાસેને એક-એક વિકેટ લીધી હતી. નેધરલેન્ડ્સ તરફથી આર્યન દત્ત ખૂબ મોંઘો સાબિત થયો હતો, જેણે 2 ઓવરમાં 24 રન આપ્યા હતા, જ્યારે ફ્રેડ ક્લાસેને પણ 10થી વધુના ઈકોનોમી રેટથી રનની લ્હાણી કરી હતી.

Leave a Reply