Updated: Feb 15th, 2026
GS TEAM

Image Source: IANS
No Handshake Policy : સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમ પર જબરજસ્ત જીત પ્રાપ્ત કરી. ભારતીય ટીમ આજે સુપર 8માં એન્ટ્રી મેળવી ચુકી છે. પાકિસ્તાન માટે સમીકરણો વધારે મુશ્કેલ બન્યા છે. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટનાં નુકસાને 175 રન બનાવ્યાહ તા. પાકિસ્તાનની ટીમ જો કે માત્ર 18 ઓવરમાં જ 114 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
નો હેન્ડશેક’ પોલિસી વર્લ્ડકપમાં પણ
જો કે આ મેચમાં પણ ભારતીય ટીમે ‘નો હેન્ડશેક પોલિસી’ યથાવત્ત જ રાખી હતી. ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. સૂર્યકુમારે આગાને સંપૂર્ણપણે ઇગ્નોર (અવગણના) કર્યો હતો. આનો અર્થ એ છે કે એશિયા કપથી ચાલી આવતી ટીમ ઈન્ડિયાની ‘નો હેન્ડશેક’ પોલિસીને સૂર્યકુમારે વર્લ્ડ કપમાં પણ ચાલુ રાખી છે.

મેચની શરૂઆતમાં કે અંતે હાથ મિલાવવાનું ટાળ્યું
આ મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી હતી. સૂર્યાએ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા હતા. જો કે આ મેચમાં પણ પાકિસ્તાનની આબરૂના ધજાગરા જ થયા હતા. સમગ્ર ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચની શરૂઆત હોય કે અંત ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જ જાળવ્યું હતું. તમામ ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર કે અન્ય કોઇ પણ ખેલાડીએ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

એશિયા કપથી ચાલી આવે છે ‘નો હેન્ડશેક’ પોલિસી
ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોએ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન સામે ‘નો હેન્ડશેક’ પોલિસી અપનાવી છે. મેન્સ એશિયા કપ 2025 માં આ બાબતે ઘણો હોબાળો થયો હતો. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
સૂર્યકુમાર યાદવની સ્પષ્ટ વાત
મેદાન પર ભારત-પાકિસ્તાન મેચોનો સિલસિલો ચાલુ રહ્યો, પરંતુ પરંપરાગત રીતે હાથ મિલાવવાની પરંપરાથી અંતર જાળવવામાં આવ્યું. એશિયા કપ દરમિયાન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાની ના પાડી ત્યારે પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી અને ટૂર્નામેન્ટના બહિષ્કારની ચીમકી પણ આપી હતી. જોકે બાદમાં તેઓ રમવા માટે તૈયાર થયા હતા.
ICC એ શું કહ્યું હતું?
આ મેચ શરૂ થાય તે પહેલા પણ હાથ મિલાવવા બાબતે ઘણી નિવેદનબાજી થઈ હતી. જ્યારે પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભારત સાથે નહીં રમવાની જાહેરાત કરી હતી, ત્યારે ICC સામે શરત મૂકી હતી કે ભારતીય ખેલાડીઓ હાથ મિલાવે. જોકે, ICC એ આ શરત ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હાથ મિલાવવો કે નહીં તેનો નિર્ણય ભારતીય ખેલાડીઓના હાથમાં છે, કારણ કે આ બાબત ICC ના કાર્યક્ષેત્રમાં આવતી નથી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે અગાઉ જ આ બાબતે સંકેત આપતા કહ્યું હતું કે, “તમારે 24 કલાક રાહ જોવી જોઈએ.” બીજી તરફ, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રમતગમતની ભાવના જળવાઈ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Leave a Reply