Updated: Feb 19th, 2026
GS TEAM

Umpire Manik Gupta Dies After Being Attacked: અંડર-13 મેચ દરમિયાન મધમાખીઓએ કરેલો હુમલો અમ્પાયર માણિક ગુપ્તા માટે જીવલેણ સાબિત થયો છે. ઉન્નાવના શુક્લાગંજ સ્થિત સપ્રુ સ્ટેડિયમમાં અંડર-13 ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓના હુમલામાં 65 વર્ષીય અમ્પાયર માણિક ગુપ્તાનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં બીજા અમ્પાયર અને ઘણા ખેલાડીઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોની કાનપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ હાલમાં ખતરાથી બહાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
સ્ટેડિયમમાં અંડર-13 મેચ દરમિયાન મધમાખીઓનો હુમલો
પ્રાપ્ત માહિતી પ્રમાણે સપ્રુ સ્ટેડિયમમાં HA એકેડેમી અને SBS એકેડેમી વચ્ચે અંડર-13 મેચ રમાઈ રહી હતી. મેચ સામાન્ય રીતે ચાલી રહી હતી અને બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર હાજર હતા. આ દરમિયાન જ અચાનક એક મધમાખીઓનું મોટું ઝૂંડ મેદાનમાં ધસી આવ્યું અને ખેલાડીઓ અને અધિકારીઓ પર હુમલો કરી દીધો. મધમાખીઓના ઝૂંડે હુમલો કરતા જ મેદાનમાં અફરા-તફરી મચી ગઈ. ખેલાડીઓ ખુદને બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. દર્શકોમાં પણ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન કાનપુરના ફિલખાના નિવાસી 65 વર્ષીય અમ્પાયર માણિક ગુપ્તા મધમાખીઓના હુમલાની લપેટમાં આવી ગયા. મધમાખીઓએ તેમના શરીરના ઘણા ભાગોમાં ડંખ માર્યા. અન્ય અમ્પાયર જગદીશ શર્મા અને કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થઈ ગયા.
સારવાર દરમિયાન અમ્પાયર માણિક ગુપ્તાનું મોત
આ ઘટના બાદ તરત જ આયોજકો અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને શુક્લાગંજની બે પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માણિક ગુપ્તાની હાલત ગંભીર જણાતા તેમને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ત્યાં ઈમરજન્સીમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવમાં આવી અને બાદમાં કાર્ડિયોલોજી વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા, પરંતુ ડોકટર્સ તેમને બચાવી ન શક્યા. હોસ્પિટલના અધિકારીઓએ તેમને મૃત જાહેર કર્યા. માણિક ગુપ્તા લગભગ 30 વર્ષથી કાનપુર ક્રિકેટ એસોસિએશન (KCA) સાથે જોડાયેલા હતા. તેઓ KDMA ક્રિકેટ લીગમાં નિયમિતપણે અમ્પાયરિંગ કરતા હતા અને સ્થાનિક ક્રિકેટ જગતમાં એક અનુભવી અને નિષ્પક્ષ અમ્પાયર તરીકે જાણીતા હતા. તેમના નિધનથી સ્થાનિક ક્રિકેટ ખેલાડીઓ અને અધિકારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજા અમ્પાયર જગદીશ શર્મા સહિત અન્ય ઘાયલ ખેલાડીઓની સારવાર ચાલી રહી છે. ડોકટર્સનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે.
આ પણ વાંચો: ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસના મેક્રોને કરી અપીલ
આ ઘટના બાદ સ્ટેડિયમ પરિસરની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠી રહ્યા સવાલ
આ ભયાનક ઘટના બાદ સ્ટેડિયમ પરિસરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મેદાન પર અથવા તેની નજીક ક્યાંક મધપૂડો હોઈ શકે છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર પરિસ્થિતિનો તાગ મેળવીને ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે. આ ઘટના બાળકોની મેચ દરમિયાન બની હતી. રમત દરમિયાન થયેલા આ અચાનક હુમલાએ ખેલાડીઓ અને માતા-પિતાને હચમચાવી મૂક્યા છે. જે મેદાન થોડા સમય પહેલા રમતના ઉત્સાહથી ભરેલું હતું ત્યાં આ ઘટના બાદ સન્નાટો છવાઈ ગયો. સ્થાનિક રમતગમત સંગઠનોએ ભવિષ્યમાં આવા આયોજનો પહેલાં સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવે તેવી માગ કરી છે. આ સાથે જ ઈમરજન્સી મેડિકલ વ્યવસ્થાને પણ દરેક મેચનો હિસ્સો બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય મળી શકે.

Leave a Reply