Updated: Feb 19th, 2026
GS TEAM

T20 World Cup 2026 Bangladesh : બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ ભારત સાથેના સંબંધો સુધારવાની દિશામાં હલચલ તેજ થઈ છે. ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં સર્જાયેલા અવરોધોને દૂર કરવા માટે બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારતીય હાઈ કમિશન સાથે મુલાકાત કરી છે.
સૌહાર્દપૂર્ણ મુલાકાત અને ચર્ચા
બાંગ્લાદેશના મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ તુરંત જ નવા રમતગમત મંત્રી અમીનુલ હકે સંસદ ભવનમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી. હકે જણાવ્યું કે, “અમે ટી20 વર્લ્ડ કપના મુદ્દે ચર્ચા કરી છે. અમે ઈચ્છીએ છીએ કે ચર્ચા દ્વારા આ વિવાદ વહેલી તકે ઉકેલાય, કારણ કે અમે અમારા પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ.”
કેમ સર્જાયો હતો વિવાદ?
ચાલુ ટી20 વર્લ્ડ કપ (જે ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે) માં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની અગાઉની સરકારે રાજકીય તણાવ અને કથિત રીતે પાકિસ્તાનના દબાણમાં આવીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કર્યો હતો. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારત સરકારે IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને હટાવવા જણાવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ ICC એ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.
ભવિષ્યની આશા અને ICC નો નિર્ણય
જોકે, બાંગ્લાદેશ માટે રાહતના સમાચાર એ છે કે ICC એ તેમના પર કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, 2031ના વનડે વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે. અમીનુલ હકે સ્વીકાર્યું કે જો અગાઉની સરકારે વાતચીત કરી હોત તો ટીમ અત્યારે વર્લ્ડ કપ રમી રહી હોત.
ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ
આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ પહેલાથી જ નક્કી હતો, પરંતુ હવે નવી સરકારના નેતૃત્વમાં આ શ્રેણી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply