સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
Updated: Feb 19th, 2026
GS TEAM

T20 World Cup: ભારતે નેધરલેન્ડ્સ સામે T20 વર્લ્ડ કપ મેચ 17 રનથી જીતી લીધી. ભારતે 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા. જવાબમાં, નેધરલેન્ડ્સે 176/7 નો સ્કોર કર્યો. જોકે, સતત મળી રહેલી જીત છતાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ રીતે સંતુષ્ટ જણાતા નથી. મેચ બાદ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘ટીમમાં હજુ પણ કેટલીક એવી બાબતો છે, જ્યાં સુધારાની જરૂર છે અને તેના માટે ખેલાડીઓ સાથે ગંભીર ચર્ચા કરવી પડશે.’
ભારતીય કેપ્ટનનો સ્પષ્ટ સંદેશ
મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર યાદવે ટીમની તૈયારીઓ પર વાત કરતા જણાવ્યું હતું કે, ‘મે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય એટલે લીધો હતો કારણ કે અમે સુપર-8 પહેલા આવી પરિસ્થિતિનો સામનો કરવા માંગતા હતા. જોકે અમે 193 રન બનાવ્યા, પરંતુ બોલિંગ દરમિયાન ઝાકળને કારણે બોલરો માટે પડકાર ઊભો થયો હતો. વિજય અમને પાઠ પણ શીખવે છે. ગુરુવારે અમારો આરામનો દિવસ છે, ત્યારે અમે શાંતિથી બેસીને સુધારવા જેવી બાબતો પર ચર્ચા કરીશું.’
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપથી બહાર થયેલા બાંગ્લાદેશને પસ્તાવો, નવા ખેલ મંત્રી વિવાદ ઉકેલવા તૈયાર
દુબેના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી
શિવમ દુબેએ આ મેચમાં 31 બોલનો સામનો કરીને 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 66 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની પ્રશંસા કરતા કહ્યું, ‘તેણે વિશાખાપટ્ટનમમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી હતી. નેધરલેન્ડ્સ સામેની આ મેચમાં તેણે વચ્ચેની ઓવરોમાં જે રીતે બેટિંગ કરી તેનાથી બધા પરનું દબાણ ઓછું થયું. આ વિકેટ પર 190 રન સુધી પહોંચવું ખરેખર સારો સ્કોર હતો.’
લોઅર ઓર્ડર અને ટીમ વર્ક પર ભાર
સૂર્યાએ પોતે 28 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. તેમણે બેટિંગ યુનિટ વિશે વાત કરતા કહ્યું કે, ‘ટીમ માટે દરેક બેટરનું નાનું પણ મહત્ત્વનું યોગદાન જરૂરી છે. હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ મેચને શાનદાર રીતે ફિનિશ કરી શકે તે ટીમની તાકાત છે. શરૂઆત ધીમી હોવા છતાં વિકેટની વર્તણૂક સમજીને રમવું એ જ અમારો આગામી લક્ષ્યાંક છે.’

Leave a Reply