જીત છતાં ઓસ્ટ્રેલિયા બહાર, પણ ઓમાનના નામે નોંધાયો ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ!
Updated: Feb 21st, 2026
GS TEAM

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં મિચેલ માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ઓમાનને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ હાર સાથે ઓમાનની ટીમ ફરી એકવાર ખાલી હાથે ઘરે પરત ફરી છે. 2026ના આ વર્લ્ડ કપમાં ઓમાન તેની ચારેય મેચ હારી ગયું છે. ઓસ્ટ્રેલિયા પહેલા ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને આયર્લેન્ડે પણ તેમને માત આપી હતી.
ઓમાનનો શરમજનક રેકોર્ડ
આ ટૂર્નામેન્ટમાં એક પણ જીત ન મળવાને કારણે ઓમાનના નામે એક વણજોઈતો રેકોર્ડ નોંધાયો છે. ઓમાનની ટીમ હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. આ બાબતે તેમણે બાંગ્લાદેશના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
આ પણ વાંચો : મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત
ઓમાનનો વર્લ્ડ કપ પ્રવાસ
2016: પ્રથમ વખત ક્વોલિફાય થયા, 3 મેચમાંથી 1 માં જીત મળી.
2021: ઝીશાન મકસૂદની કેપ્ટન્સીમાં 3 મેચમાંથી 1 જીત મળી.
2024: આકિબ ઇલિયાસની કેપ્ટન્સીમાં ટીમ એક પણ મેચ જીતી શકી નહીં.
2026: આ એડિશનમાં પણ 4 હાર સાથે ટીમ ગ્રુપ B માં સૌથી નીચે રહી.
AUS vs OMAN: મેચની વિગતો
ટૂર્નામેન્ટમાંથી વહેલી બહાર ફેંકાઈ જવાનું અપમાન સહન કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં ઓમાનને હરાવીને ગૌરવ સાથે વિદાય લીધી છે. ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામેની અણધારી હારને કારણે ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું.
ઓમાનની બેટિંગ
માત્ર પ્રતિષ્ઠા માટે રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ઓમાનને 16.2 ઓવરમાં માત્ર 104 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ તરખાટ મચાવતા 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જેવિયર બાર્ટલેટ અને ગ્લેન મેક્સવેલને 2-2 વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર જીત
105 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 9.4 ઓવરમાં જીત હાંસલ કરી લીધી હતી.
મિચેલ માર્શ: 33 બોલમાં અણનમ 64 રન (7 ચોગ્ગા, 4 છગ્ગા).
ટ્રેવિસ હેડ: 19 બોલમાં 32 રન (6 ચોગ્ગા).
બંને વચ્ચે 93 રનની ભાગીદારી થઈ હતી. 100 થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી જીત છે.

Leave a Reply