અભિષેક શર્માને સ્લોગર કહેનારા પાકિસ્તાની ક્રિકેટરનો અશ્વિને ઉધડો લીધો, સંભળાવી ખરી ખોટી
Updated: Feb 28th, 2026
GS TEAM

T20 World Cup 2026 : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે ભારતીય ઓપનર અભિષેક શર્માએ આક્રમક પ્રદર્શન કરતા માત્ર 30 બોલમાં 55 રન ફટકારી દીધા છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અભિષેક સતત ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય (ડક) પર આઉટ થયો હતો. જેના કારણે તેના ફોર્મ પર સવાલો ઉભા થયા હતા. પરંતુ હવે અભિષેક ફોર્મમાં આવ્યો છે અને તેની તોફાની ઇનિંગ્સે ભારતની ઝિમ્બાબ્વે પર 72 રનથી જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અશ્વિને પાકિસ્તાની પૂર્વ બોલર આમિરની ઝાટકણી કાઢી
ઝિમ્બાબ્વે સામેની જીત બાદ રવિચંદ્રન અશ્વિને પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની આકરી ટીકા કરી છે. અશ્વિને આમિરના એ નિવેદન સાથે અસંમતિ દર્શાવી હતી જેમાં તેણે અભિષેક શર્માને ‘સ્લોગર’ (માત્ર આડેધડ બેટ ફેરવનાર) કહ્યો હતો. આમિરે કહ્યું હતું કે, અભિષેકની રમતમાં ‘ડિફેન્સિવ ગિયર’ નથી અને તે માત્ર મોટા શૉટ્સ રમવા પર જ નિર્ભર છે. જોકે, સુપર-8 માં અભિષેકે શાનદાર વાપસી કરીને ટીકાકારોને કરારો જવાબ આપ્યો છે.
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર સ્પષ્ટીકરણ કર્યું
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર સ્પષ્ટપણે કહ્યું કે, “અભિષેક શર્માને સ્લોગર કહેવો ખોટો છે. તેની પાસે આજના સમયમાં સૌથી શ્રેષ્ઠ ‘બેટ સ્વિંગ’ માંથી એક છે. આપણે જાણીએ છીએ કે, યુવરાજ સિંહ તેનો મેન્ટર છે, પરંતુ મને લાગે છે કે તેનો બેટ સ્વિંગ યુવરાજ કરતા પણ વધુ સારો છે. જ્યારે પણ અભિષેક બોલને હિટ કરે છે, ત્યારે તે ઘણો દૂર જાય છે. લોકો તેને સ્લોગર સમજી લે છે, પરંતુ તેની એકમાત્ર ખામી એ રહી છે કે તે દરેક બોલ પર આક્રમકતા બતાવવાનો પ્રયાસ કરે છે.”
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે? ન્યૂઝીલેન્ડની હાર બાદ બદલાયા સમીકરણ
T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે? ન્યૂઝીલેન્ડની હાર બાદ બદલાયા સમીકરણ
સુનીલ ગાવસ્કરે પણ કર્યા વખાણ
પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ અભિષેકની પ્રશંસા કરી છે. ગાવસ્કરે નોંધ્યું કે આ વખતે અભિષેકે સમજદારીપૂર્વક બેટિંગ કરી હતી. ગાવસ્કરે જણાવ્યું કે, “આ 55 રનની ઇનિંગથી તેણે ટીકાકારોને શાંત કરી દીધા છે. તેણે શરૂઆતમાં થોડો સમય લીધો, તેની બેટિંગમાં એક શિસ્ત હતી. તેણે ઓફ સ્પિનરનું સન્માન કર્યું અને જોખમ લીધા વગર શાંતિથી બેટિંગ કરી. આ મેચમાં તેણે ડિફેન્સિવ શૉટ પણ રમ્યા, જે સામાન્ય રીતે આપણે તેની પાસે જોતા નથી. આ જોઈને મને નવાઈ લાગી.”
સતત ત્રણ ડક (ઝીરો) બાદ જે રીતે અભિષેક શર્માએ વાપસી કરી, તેણે સાબિત કરી દીધું કે, તે માત્ર આક્રમક ખેલાડી જ નથી, પરંતુ પરિસ્થિતિ મુજબ પોતાની રમતને બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. અશ્વિન અને ગાવસ્કર જેવા દિગ્ગજોનું સમર્થન ચોક્કસપણે તેનો આત્મવિશ્વાસ વધારશે.

Leave a Reply