એક પરાજયે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું અઘરું, જુઓ સમીકરણ
Updated: Feb 23rd, 2026
GS TEAM

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
સુપર-8નું ગણિત અને ભારતની સ્થિતિ
સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.
ગ્રુપ-2માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સ્થિતિ
બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.
આ પણ વાંચો: અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ… ભારતને આ 5 ભૂલો ભારે પડી, ગુમાવી સુપર-8ની પ્રથમ મેચ
સેમીફાઈનલ અને ફાઈનલનો રોડમેપ
ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

Leave a Reply