બિહાર ચૂંટણી 2025: બેઠક વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં મતભેદ, દિલ્હીમાં રાહુલ ગાંધીની બેઠક

બિહાર ચૂંટણી 2025: બેઠક વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં મતભેદ, દિલ્હીમાં રાહુલ ગાંધીની બેઠક

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને મહાગઠબંધનના બે મુખ્ય સાથીઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદ ખુલ્લા પડ્યા છે.

કોંગ્રેસના કેન્દ્રીય હાઇકમાન્ડે આ પરિસ્થિતિમાં રણનીતિ ઘડવા માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણગોપાલ, બિહાર પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ, તેમજ પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ સહિત રાજ્યના ઘણા અગત્યના નેતાઓ હાજર રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસે આ વખતે આશરે 60 બેઠકોની માંગણી કરી છે, જ્યારે આરજેડી કોંગ્રેસને ફક્ત 50 બેઠક પર રાજી કરવા ઈચ્છે છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા હતા, પરંતુ પ્રદર્શન ખાસ નોંધપાત્ર ન રહ્યું. આ વખતે સ્થિતિ વધુ જટિલ છે કારણ કે મુકેશ સહનીની વિકાશશીલ ઈન્સાન પાર્ટી (VIP), પશુપતિ પારસનું પક્ષ અને CPI-ML પણ ગઠબંધનમાં વધારે બેઠકો માંગે છે. પરિણામે કોંગ્રેસને ઓછી બેઠકો સ્વીકારવાનો દબાણ છે. કોંગ્રેસ કેટલીક બેઠકો છોડવા તૈયાર છે, પરંતુ બદલે તેને પોતાની પસંદગીની બેઠકો પર લડવાની છૂટ જોઈએ છે.

બેઠક વહેંચણી મુદ્દે અગાઉ પણ 6 ઓગસ્ટે પટણામાં RJD અને કોંગ્રેસ વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યાં પૂર્ણ સહમતિ નથી બની. કોંગ્રેસને લાગે છે કે ‘મતદાતા અધિકાર યાત્રા’ બાદ તેની સોદાબાજી શક્તિ વધી છે. આ યાત્રામાં તેજસ્વી યાદવ અને અન્ય સાથી પક્ષના નેતાઓ જોડાયા હતા, પરંતુ તેનું નેતૃત્વ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે રહ્યું હતું. આ કારણે કોંગ્રેસ માને છે કે બિહારમાં તે વિપક્ષના રાજકારણમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકે છે.

તથાપિ, હાલની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસની માંગ અને આરજેડીની ઓફર વચ્ચેનો અંતર દૂર થતો નથી. બિહાર ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગઠબંધનમાં એકતા જાળવી રાખવી બંને પક્ષો માટે પડકારરૂપ બની રહી છે.

જો આ વિવાદ લાંબો ખેંચાય તો તેનો સીધો અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. તેથી દિલ્હીમાં બોલાવવામાં આવેલી બેઠક મહાગઠબંધનના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.