Sunil Gavaskar Slams Sunrisers Leeds: ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગ ‘ધ હંડ્રેડ’માં ભારતીય કંપની સન ગ્રુપની ફ્રેન્ચાઈઝી ‘સનરાઈઝર્સ લીડ્સ’ દ્વારા પાકિસ્તાની ખેલાડી અબરાર અહમદને ખરીદવાના નિર્ણયથી નવો વિવાદ છેડાયો છે. આ હરાજી બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેમાં હવે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ જોડાયા છે. ગાવસ્કરે આ કરારની આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાની ક્રિકેટરોને ચૂકવવામાં આવતી ફી પરોક્ષ રીતે ભારતીય સૈનિકો અને સામાન્ય નાગરિકોના મૃત્યુમાં યોગદાન આપવા સમાન છે.
પાક. ખેલાડીને ફી આપવી એ આતંકમાં મદદ સમાન: ગાવસ્કર
સનરાઈઝર્સ લીડ્સના સહ-માલિક કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝીએ અબરાર અહમદને અંદાજે 2.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ અંગે ગાવસ્કરે પોતાના કોલમમાં લખ્યું છે કે, વર્ષ 2008ના મુંબઈ હુમલા બાદ ભારતીય ફ્રેન્ચાઈઝી માલિકોએ પાકિસ્તાની ખેલાડીઓને નજરઅંદાજ કર્યા હતા. તેમણે સમજાવ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ તેમની કમાણી પર પાક સરકારને ટેક્સ ચૂકવે છે, જેનો ઉપયોગ હથિયારો અને દારૂગોળો ખરીદવા માટે થાય છે. આ જ કારણસર ભારતીય સંસ્થાઓએ પાકિસ્તાની કલાકારો અને રમતવીરોને બોલાવવાનું બંધ કર્યું હતું.
આ પણ વાંચો: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ
ટુર્નામેન્ટ જીતવી શું ભારતીયોના જીવ કરતા વધુ મહત્ત્વની છે?
ગાવસ્કરે વધુમાં કહ્યું કે, જો ફ્રેન્ચાઈઝીના માલિક ભારતીય હોય, તો તેમને પરિસ્થિતિની ગંભીરતાની સમજ હોવી જોઈએ. ટીમના કોચ ડેનિયલ વેટોરી ભલે ન્યૂઝીલેન્ડના હોવાથી આ વાત ન સમજી શક્યા હોય, પરંતુ માલિકોએ આવી ખરીદીને પ્રોત્સાહન ન આપવું જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ ટુર્નામેન્ટ જીતવી એ ભારતીયોના જીવ કરતા વધુ મહત્ત્વની છે? ઉલ્લેખનીય છે કે 2008ના મુંબઈ હુમલા અને ત્યારબાદ પુલવામા હુમલા જેવી આતંકી ઘટનાઓને કારણે જ IPLમાં પાકિસ્તાની ખેલાડીઓના રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Leave a Reply