Updated: Mar 19th, 2026
GS TEAM

IPL 2026, RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) પણ IPL 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. RCB 28 માર્ચે પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ઓપનિંગ મેચ રમશે. આ મેચ પહેલા જ માહોલ ગરમાયો છે. RCB સુપરસ્ટાર વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે અને વિરોધી ટીમોને એક ચેતવણી મળી છે.
વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા વીડિયોમાં કહ્યું કે, ‘જ્યારે પણ હું આ જર્સી પહેરું છું, ત્યારે હું મારું સર્વસ્વ આપી દઉં છું. હું વધુ એક સ્પેશિયલ ચેઝ માટે તૈયાર છું.’ આ વીડિયો શેર કરીને RCB એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કિંગ કોહલી બેંગલુરુમાં પોતાના ઘરે પરત ફર્યો છે અને એક નવી કહાની લખવા માટે તૈયાર છે.
RCBની પ્રથમ IPL ટ્રોફી
ગત સીઝનમાં રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCBએ એ કરી બતાવ્યું, જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. RCBએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. અમદાવાદમાં રમાયેલી આ ફાઈનલમાં RCB એ પંજાબ કિંગ્સ સામે 191 રનોનો ટાર્ગેટ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ 43 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને જીતનો પાયો નાખ્યો હતો. હવે ટીમનું લક્ષ્ય સ્પષ્ટ છે: ટાઈટલ ડિફેન્ડ કરવું અને ઈતિહાસનું પુનરાવર્તન કરવું.
કોહલીનો શાનદાર IPL રેકોર્ડ
વિરાટ કોહલીનો RCB સાથેનો સંબંધ ફક્ત એક ખેલાડીનો નથી, પરંતુ ઓળખનો બની ગયો છે. કોહલીએ RCB માટે અત્યાર સુધીમાં 267 IPL મેચોમાં 8661 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 63 અડધી સદી સામેલ છે. આ દરમિયાન કોહલીની એવરેજ 39.54 અને સ્ટ્રાઈક રેટ 132.85 રહ્યો છે. IPLમાં કોહલીએ શ્રેષ્ઠ પ્રદર્શન 2016ની સીઝનમાં કર્યું હતું, જ્યાં તેણે 16 મેચોમાં 81.08ની એવરેજથી 973 રન બનાવ્યા હતા.
RCBની મજબૂત ટીમો સામે ટક્કર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પોતાની શરૂઆતની મેચોમાં મજબૂત ટીમો સામે ટકરાશે. ઓપનર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કર્યા બાદ RCB 5 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. ત્યારબાદ 10 એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. ત્યારબાદ 12 એપ્રિલે RCB મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે.
આ પણ વાંચો: IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સમાં મોટો ફેરફાર: આ સ્ટાર ખેલાડીની ટીમમાં એન્ટ્રી, જાણો કોણ છે
RCBના ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે, કર્ણાટક સરકારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચોનું આયોજન કરવાની મંજૂરી આપી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) એ જણાવ્યું કે, સલામતી અને તૈયારીના તમામ ધોરણો પૂર્ણ કરવામાં આવ્યા છે. એટલે કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી એકવાર જબરદસ્ત માહોલ જોવા મળશે.

Leave a Reply