Indian cricket: ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે શુભમન ગિલને ટીમ ઇન્ડિયાની ODI ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. પાનેસરે 26 વર્ષીય ગિલને એક સારો લીડર ગણાવ્યો, જે જવાબદારી મળ્યા બાદ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સૌથી વધુ રન બનાવનારી પાકિસ્તાનની ખેલાડીને ICCનો દંડ, ભારત વિરુદ્ધ મેચમાં પિચ પર કર્યો હતો હોબાળો
BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ખુલાસો કર્યો કે, તેમણે રોહિત શર્માને એ સુચના આપી હતી કે, બોર્ડે તેમને ODI કેપ્ટનશીપથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ગિલને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને તેનો પહેલો કાર્યભાર 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી હશે.
આ જાહેરાતે ક્રિકેટ જગતમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. ઘણા ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, જ્યારે પાનેસરે ખુલ્લેઆમ આ પગલાની પ્રશંસા કરી. તેમનું માનવું છે કે આ નેતૃત્વની ભૂમિકા ગિલના કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન લાવી શકે છે.
મોન્ટી પાનેસરે શું કહ્યું
આ અંગે મોન્ટી પાનેસરે આ નિર્ણય વિશે જણાવ્યું, ‘મને લાગે છે કે આ એક યોગ્ય નિર્ણય છે કારણ કે તેણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.’ રોહિત શર્મા સાથે તેને કેપ્ટન બનાવવો અર્થપૂર્ણ છે, કારણ કે તે તેને માર્ગદર્શન આપી શકે છે. આ એક ખૂબ જ સારું પગલું છે. અમે ઇંગ્લેન્ડમાં જોયું છે કે તે એક સારો લીડર છે.
આ પણ વાંચો: ‘મને પસ્તાવો રહેશે કે હું ધોનીના નેતૃત્વમાં…’ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને કઈ વાતનો અફસોસ
શું T20 કેપ્ટન પણ બદલવામાં આવશે?
પાનેસરે કહ્યું, ‘જ્યારે તમે તેને જવાબદારી આપો છો, ત્યારે તમને શુભમન ગિલનું સર્વશ્રેષ્ઠ રુપ જોવા મળશે. મને ખાતરી છે કે આ ODI શ્રેણીમાં આપણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈશું. ભવિષ્યમાં તેને T20I કેપ્ટનશીપ આપવામાં આવે તો મને આશ્ચર્ય થશે નહીં, કારણ કે તે એક એવો ખેલાડી છે જે જવાબદારી આપવામાં આવે ત્યારે ખીલે છે.’ આ દરમિયાન, શુભમન ગિલે કહ્યું કે, તેનું ધ્યાન હવે સંપૂર્ણપણે ભવિષ્ય અને 2027 વર્લ્ડ કપ પર છે. ભારત વર્લ્ડ કપ પહેલા લગભગ 20 ODI રમશે.

Leave a Reply