ટીમ ઈન્ડિયામાં નવા દૌરની આશંકા, રોહિત શર્માની હકાલપટ્ટી થશે? કોચ ગંભીરના શું છે ઈરાદા
Updated: Oct 22nd, 2025
GS TEAM

IND vs AUS Rohit Sharma Replacement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીની બીજી મેચ પહેલા, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના હાવભાવે ક્રિકેટ જગતમાં ચિંતા અને અટકળોનો દોર શરૂ કરી દીધો છે. પ્રેક્ટિસ માટે હંમેશની જેમ નેટ્સ પર સૌથી પહેલા પહોંચવા છતાં, આ વખતે રોહિત શર્માનો મૂડ અને તેની બોડી લેંગ્વેજ કંઈક અલગ જ દેખાઈ રહી હતી.
પ્રેક્ટિસ સેશનમાં શું બન્યું?
રોહિત શર્માએ એડિલેડ ઓવલના નેટ્સ પર સ્પિન અને ફાસ્ટ બોલરો સામે જોરદાર અભ્યાસ કર્યો, પરંતુ સેશન પૂરું થયા પછી તે પોતાના સામાન્ય ઉત્સાહી અંદાજમાં જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે મીડિયા અને ચાહકો સાથે હસીને વાત કરતો ‘હિટમેન’ આ વખતે ચૂપચાપ મેદાનમાંથી હોટલ તરફ રવાના થઈ ગયો. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, જેણે તેના ભવિષ્ય અંગેની ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
રોહિત નિરાશ, જયસ્વાલ પર નજર
જે સમયે રોહિત શર્મા નેટ્સમાં પરસેવો પાડી રહ્યો હતો, તે જ સમયે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને પસંદગી સમિતિના સભ્ય શિવ સુંદર દાસ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે લાંબી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય એ વાતનો સંકેત આપી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ હવે ભવિષ્યનું આયોજન કરી રહ્યું છે, જેમાં યશસ્વી જયસ્વાલને શુભમન ગિલ સાથે ઓપનિંગ સ્લોટ માટેના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ‘મેં સચિન તેંડુલકર કરતાં 5000 વધુ રન કર્યા હોત…’ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન
શું બળજબરીથી છીનવાઈ કેપ્ટનશીપ?
અહેવાલો અનુસાર, રોહિત શર્માએ વનડેની કેપ્ટનશીપ સ્વેચ્છાએ છોડી ન હતી, પરંતુ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે રોહિત કેપ્ટન તરીકે ચાલુ રહેવા માંગતો હતો. શુભમન ગિલને તાજેતરમાં કેપ્ટન બનાવવામાં આવતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે પસંદગીકારો હવે “પોસ્ટ-રોહિત એરા” ની તૈયારી કરી રહ્યા છે.
38 વર્ષીય રોહિત શર્માએ ભલે ફિટનેસમાં ઘણો સુધારો કર્યો હોય, પરંતુ તેનું તાજેતરનું ફોર્મ ચિંતાનો વિષય છે. પ્રથમ વનડેમાં તે માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભલે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એડિલેડમાં જોવા મળેલા આ દ્રશ્યો આગામી સમયમાં ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે.
આ પણ વાંચો : BCCIની ચેતવણી છતાં ટ્રોફી ચોર મોહસિન નકવીનું નફ્ફટ નિવેદન, કહ્યું- ‘એશિયા કપની ટ્રોફી લેવી હોય તો…’

Leave a Reply