લગ્ન બાદ લખનઉમાં કુલદીપ યાદવનું ભવ્ય રિસેપ્શન, મુખ્યમંત્રી યોગી, અખિલેશ સહિત ક્રિકેટ જગતના સ્ટાર પહોંચ્યા
Updated: Mar 17th, 2026
GS TEAM

kuldeep Yadav Vanshika Reception: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે લખનઉમાં તેમનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજોની સાથે જાણીતી રાજકીય હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. કુલદીપ યાદવે 14 માર્ચે પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.
સીએમ યોગી પણ રિસેપ્શનમાં પહોંચ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ક્રિકેટર કુલદીપ યાદવના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કુલદીપ અને વંશિકાને આશીર્વાદ આપ્યા અને ક્રિકેટરના પરિવારજનો સાથે ફોટા પડાવ્યા હતા.
ક્રિકેટ જગતના સ્ટારનો જમાવડો
લખનઉમાં યોજાયેલા આ રિસેપ્શનમાં ક્રિકેટ અને રાજનીતિની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. તો પૂર્વ ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પત્ની રિવાબા સાથે સમારોહમાં આવ્યા હતા. હોટલ પહોંચતા જ આ ખેલાડીઓ પર ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અખિલેશ યાદવ પણ સામેલ થયા
આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. કુલદીપ અને વંશિકાએ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. સપા પ્રમુખે બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખાસ વ્યવસ્થા અને સુરક્ષા
આ ગ્રાન્ડ રિસેપ્શનમાં આશરે 900 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાસ મહેમાનો માટે ચાર ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. VVIP મહેમાનોને જોતા હોટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા હતી. પરિસરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી કાર્યક્રમ સંપૂર્ણ સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
કાનપુરમાં થયું હતું ખાસ સ્વાગત
લગ્ન કરી જ્યારે કુલદીપ યાદવ પોતાના ઘરે કાનપુર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ઘરની બહાર રસ્તાથી લઈને ઘરના ગેટ સુધી રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી અને બંને બાજુ બેન્ડ-વાજા સાથે તેમનું સ્વાગત થયું હતું. કુલદીપ પોતાની પત્ની સાથે કાળા રંગની લક્ઝરી કારમાં સીધા ઘરની અંદર પહોંચ્યો હતો આ દરમિયાન મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી.

Leave a Reply