અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ.
પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે દેશના દરેક નાગરિક, દુકાનદાર અને ગ્રાહકે આ સંકલ્પ લેવો જોઈએ કે તેઓ ફક્ત ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદશે, જે ભારતીય પરસેવાથી બનેલી હોય. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ દરેક ભારતીયની છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે દુનિયાનું અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશોએ પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ પોતાના આર્થિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી પડશે.
પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, “સરકાર આ દિશામાં અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. માત્ર મોદી નહીં, પરંતુ ભારતનો દરેક નાગરિક દેશના હિતમાં સ્વદેશી અપનાવવાનું સંકલ્પ લે. જે લોકો દેશને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માંગે છે, તેઓએ દરેક ક્ષણે આ ભાવના પ્રસરાવવી પડશે.”
તેમણે સ્પષ્ટ કર્યું કે ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ હવે માત્ર સૂત્રો નહીં, પરંતુ વ્યવહારિક જીવનનો ભાગ બનવા જોઈએ.

Leave a Reply