જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી.
અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા શશિ થરૂર પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે થરૂરની ટીમે જે દેશોની મુલાકાત લીધી, તેમાંથી કોઈએ પણ પાકિસ્તાનની સંડોવણીને સ્વીકારી નથી. “સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે અમેરિકા પણ પાકિસ્તાનને દોષિત ગણાવતા નથી. આપણે વિશ્વને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ આપણા પુરાવા માન્યા નથી,” અય્યરે ઉમેર્યું.
કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી એવું કોઈ પુરાવું રજૂ થઈ શક્યું નથી, જે સાબિત કરે કે આ હુમલો પાકિસ્તાની એજન્સીઓની યોજના હતી અથવા તેમના દ્વારા અંજામ આપ્યો ગયો હતો.
આ નિવેદન બાદ ભાજપે અય્યર પર કડક પ્રહાર કર્યો. ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની નિરીક્ષણ પેનલે લશ્કર-એ-તૈયબા (LeT)ની શાખા ટીઆરએફની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. “કોંગ્રેસને કદાચ એ નથી ખબર કે આતંકવાદનો ઉદ્ભવ પાકિસ્તાનમાંથી થયો છે. લશ્કર હોય કે જૈશ, તેમના ઠેકાણા ઓપરેશન સિંદૂર દરમિયાન નષ્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાકિસ્તાનનો બચાવ કરી રહી છે અને આપણા સૈન્ય દળોનું અપમાન કરી રહી છે,” પૂનાવાલાએ જણાવ્યું.
ભાજપના બીજા પ્રવક્તા સીઆર કેસવએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનના સમર્થક તરીકે વર્તી રહી છે અને ભારત વિરોધી પ્રચારમાં પોતાનું હેતુ શોધી રહી છે, જે અત્યંત શરમજનક છે.

Leave a Reply