સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહી છે.
સુરતના લોકો તહેવારની ઉજવણીમાં હંમેશા અગ્રેસર રહે છે, અને જન્માષ્ટમીમાં પણ કોઈ કસર બાકી રાખતા નથી. તાજેતરના સમયમાં ઘરે બનાવેલા ડિઝાઈનર વાઘાની માંગ ખૂબ વધી છે. અનેક મહિલાઓ ઘરમાં બેઠા વાઘા બનાવી રહી છે, જેથી ભક્તિ સાથે રોજગાર પણ મળે છે.
કતારગામમાં રહેતી ભક્તિ વઘાસીયાએ જણાવ્યું કે, શરૂઆતમાં તેમણે પોતાના ઘરના ભગવાન માટે વાઘા બનાવ્યા, પછી સગાંઓ અને પડોશીઓએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું. હવે તેઓ અન્ય મહિલાઓને સાથે રાખીને વાઘા બનાવે છે. બીજી બાજુ, ગીતા મોણપરા જેવા અનેક મહિલાઓએ સાડીમાં સ્ટોન લગાવવાના કામમાંથી બદલીને વાઘા બનાવવાના કામમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે તેમના માટે રોજગારીનો નવો માર્ગ ખુલ્યો છે.
હાલ વાઘાના બિઝનેસમાં ભારે સ્પર્ધા છે, તેથી મહિલાઓ નવા અને ડિઝાઈનર વાઘા બનાવવા માટે રો મટીરીયલ્સ દિલ્હી અને કોલકત્તાથી મંગાવે છે, કારણ કે ત્યાંથી સસ્તા અને યુનિક ડિઝાઈન મળે છે. આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમી હોવાથી તિરંગા થીમ વાળા વાઘાની ખાસ માંગ છે, કારણ કે તહેવાર સ્વાતંત્ર્ય દિવસ પછી આવી રહ્યો છે. સુરતના બજારમાં તિરંગા રંગના વાઘાનું વેચાણ જોર શોરથી થઈ રહ્યું છે.

Leave a Reply