પ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોના પ્રોડ્યુસર અસિત મોદી છે, જ્યારે દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં મિસિસ રોશનના રોલમાં દેખાયેલી જેનિફર મિસ્ત્રીએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, હોંગકોંગ ટૂર દરમિયાન દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ભારે ઝઘડો થયો હતો. તેમના જણાવ્યા મુજબ, બન્નેએ ત્યાં હાજર લોકો સામે જોરથી બૂમાબૂમ કરી અને ગરમાગરમી વધી હતી. જેનિફરે દાવો કર્યો કે દિલીપ જોશીએ અસિત મોદીના કોલર પકડી લીધા હતા, જેનાથી વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાથી શોમાં સામેલ ઘણા લોકો નારાજ થયા હતા.
જોકે, આ પહેલા પણ આવી અફવાઓ ફેલાઈ હતી, જેને લઈને અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, “આ બધા સમાચાર ખોટા છે. શોની સફળતાથી લોકો ઈર્ષ્યા કરી રહ્યા છે.” દિલીપ જોશીએ પણ પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે, “મારી અને અસિત ભાઈ વચ્ચે કોઈ ઝઘડો નથી. શો મારા માટે અત્યંત મહત્વનો છે. જ્યારે લોકો ખોટી અફવાઓ ફેલાવે છે ત્યારે દુઃખ થાય છે.”
ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશી છેલ્લા 17 વર્ષથી આ શોનો મહત્વનો ભાગ છે અને જેઠાલાલ તરીકે પ્રેક્ષકોમાં લોકપ્રિય છે.

Leave a Reply