ભારતમાં 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ સિસ્ટમ અમલમાં આવી ગઈ છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત લોકો 3,000 રૂપિયામાં FASTag વાર્ષિક પાસ ખરીદી શકશે, જેનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર મુસાફરોના ટોલ ખર્ચમાં બચત કરાવવાનો છે.
આ પાસ ખરીદનારા મુસાફરોને એક વર્ષ સુધી અથવા 200 વખત ટોલ પ્લાઝા પાર કરવાની છૂટ મળશે. હાલમાં, ટોલ દર સરેરાશ રૂ. 50 જેટલો છે, પરંતુ આ પાસથી દર ટ્રિપનો સરેરાશ ખર્ચ ફક્ત રૂ. 15 થશે. એટલે કે, 200 ટ્રિપ માટે જ્યાં સામાન્ય રીતે રૂ. 10,000 જેટલો ખર્ચ થાય છે, ત્યાં હવે માત્ર રૂ. 3,000માં મુસાફરી શક્ય બનશે, જેના કારણે રૂ. 7,000 જેટલી સીધી બચત થશે.
જો કે, આ પાસ ખરીદતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પ્રથમ, ફક્ત ખાનગી વાહન માલિકો (કાર, જીપ, વાન) જ આ પાસ લઈ શકશે, જ્યારે બસ, ટ્રક અથવા ટેક્સી માલિકો માટે આ યોજના માન્ય નથી. બીજું, પાસ ફક્ત તે જ વાહન માટે માન્ય રહેશે, જેના માટે તે લેવામાં આવ્યો છે; તેને ટ્રાન્સફર કરી શકાશે નહીં. ત્રીજું, આ વાર્ષિક પાસ ફક્ત NHAI અને માર્ગ પરિવહન મંત્રાલયના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર જ લાગુ થશે, જ્યારે રાજ્ય ધોરીમાર્ગો અથવા મ્યુનિસિપલ રસ્તાઓ પર અલગથી ટોલ ચૂકવવો પડશે.
વધુમાં, આ પાસ રિફંડનેપાત્ર નથી. એક વાર ખરીદ્યા પછી પાસ રદ્દ કરી શકાશે નહીં. તેની માન્યતા પૂરી થયા પછી નવો પાસ ખરીદવો ફરજિયાત રહેશે. પાસ ખરીદવા માટે, તમારે તમારા વાહન નંબર અને FASTag ID નો ઉપયોગ કરીને NHAI અથવા MoRTHની વેબસાઇટ અથવા હાઇવે ટ્રાવેલ એપ પર લોગિન કરવું પડશે. ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ વિકલ્પ ઉપલબ્ધ રહેશે. ખાતરી કરો કે તમારું FASTag સક્રિય અને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થયેલું છે.

Leave a Reply