પાકિસ્તાનમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ, 154ના મોત અને અનેક લોકો ગુમ

પાકિસ્તાનમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ, 154ના મોત અને અનેક લોકો ગુમ

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છેલ્લા 24 કલાકથી પડેલા મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે વિનાશકારી પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રાકૃતિક આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 154 લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જોવા મળી છે, જ્યાં વાદળ ફાટવાના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ અને માળખાકીય નુકસાન થયું છે.

બુનેર જિલ્લામાં 75, મનસેહરામાં 17, બાજૌર અને બટાગ્રામમાં 18-18 લોકોના મોત થયા છે. લોઅર ડીરમાં પાંચ લોકોનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે સ્વાતમાં ચાર અને શાંગલામાં એકના મોત થયા છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA) ના જણાવ્યા મુજબ ગુરુવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદમાં અત્યાર સુધી 125થી વધુ લોકોનાં મોત થયા છે અને આંકડો હજુ વધી શકે છે.

રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે. બાજૌર જિલ્લાના ઇમરજન્સી ઓફિસર અમજદ ખાનના નેતૃત્વમાં ટીમો બચાવ કામગીરી કરી રહી છે, જ્યારે પાકિસ્તાન આર્મીની ટીમો સ્વાત અને બાજૌરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીએ તમામ ઉપલબ્ધ સંસાધનો ઉપયોગમાં લેવા સૂચના આપી છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનના ઘીઝર જિલ્લામાં પૂરના કારણે આઠ લોકોનાં મોત અને બે લોકો ગુમ થયા છે. પૂરમાં ડઝનથી વધુ ઘરો, વાહનો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો તણાઈ ગયા છે. નીલમ ખીણમાં પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે રત્તી ગલી તળાવ નજીક 600થી વધુ પ્રવાસીઓને રસ્તો તૂટી જવાને કારણે ત્યાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

પરિસ્થિતિ ગંભીર બની રહી છે કારણ કે ત્રણ પુલ તૂટી ગયા છે અને ઝેલમ ખીણમાં વાદળ ફાટવાથી માર્ગોને નુકસાન થયું છે. મુઝફ્ફરાબાદ જિલ્લામાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના છ સભ્યો કાટમાળ હેઠળ દટાઈ જવાના સમાચાર છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં 325થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં 142 બાળકોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી છે.

 

Leave a Reply

Your email address will not be published.